Published in Gujarat Samachar 1st November 2026
...વિદેશમાં દિવાળી ઊજવવી એટલે તહેવારને પાછળ છોડી દેવો એવું નથી. એ તો જોવું છે કે આ તહેવાર કેટલે દૂર સુધી પહોંચ્યો છે...
આવર્ષે દિવાળી રવિવાર, ૮ નવેમ્બરે છે, અને મોટા ભાગના ભારતીય પરિવારો માટે એ ક્યાં ઊજવવી એનો નર્િણય તો ક્યારનોય થઈ ગયો છે. ઘરે. ઘરની સાફસફાઈ, આંગણાની રંગોળી, બારણે ઝગમગતા દીવા, સગાંવહાલાંને ત્યાંથી આવતાં મીઠાઈનાં બૉક્સ, આ બધું એક ચોક્કસ ઘર સાથે જોડાયેલું છે, અને કોઈ સમજદાર માણસ એ વખતે બીજે ક્યાંય હોવાનું પસંદ ન કરે.
આ વાત હું પૂરેપૂરી સમજું છું, અને એની વિરુદ્ધ કોઈ દલીલ પણ નથી કરતો. પણ આ તહેવાર વિશે એક શાંત હકીકત એવી છે, જેની ભાગ્યે જ ચર્ચા થાય છેઃ દિવાળી તો સદીઓથી પ્રવાસ કરતી આવી છે. ભારતીયો જ્યાં જ્યાં ગયા, વેપારી બનીને, ગિરમીટિયા મજૂર બનીને કે રોજીરોટીની શોધમાં નીકળેલા પરિવારો બનીને, ત્યાં ત્યાં દીવા પણ એમની સાથે ગયા. આજે ઘણા દેશોમાં દિવાળી સત્તાવાર જાહેર રજાનો દિવસ છે. ભારત ઉપરાંત ફિજી, ગુયાના, મલેશિયા, મૉરિશિયસ, મ્યાનમાર, નેપાળ, સિંગાપોર અને શ્રીલંકા જેવા દેશોમાં દિવાળીના મુખ્ય દિવસે રજા હોય છે. જે તહેવારને આપણે પોતાનો માનીએ છીએ, એ દિવસે આખેઆખા દેશો થંભી જાય છે.
આ લેખ આવી જ કેટલીક જગ્યાઓ વિશે છે, અને એક સીધીસાદી વાત વિશે છે. વિદેશમાં દિવાળી ઊજવવી એટલે તહેવારને પાછળ છોડી દેવો એવું નથી. એ તો જોવું છે કે આ તહેવાર કેટલે દૂર સુધી પહોંચ્યો છે.
સિંગાપોર - આખી શેરી જ્યાં ઉત્સવ બની જાય છેઃ શરૂઆત સૌથી સહેલી જગ્યાથી કરીએ. દર વર્ષે દીપાવલીનાં અઠવાડિયાં પહેલાંથી સિંગાપોરના લિટલ ઇન્ડિયામાં આવેલો સેરંગૂન રોડ કમાનો, કમળનાં ફૂલો, તેલના દીવા અને માથા પર ઝૂલતા વિશાળ મોરથી શણગારાઈ જાય છે. આ વર્ષે ૩ ઑક્ટોબરથી રોશની શરૂ થઈ ગઈ છે, અને કૅમ્પબેલ લેન પરનું દીપાવલી ફેસ્ટિવલ વિલેજ ૧૦ ઑક્ટોબરથી દીપાવલીના દિવસ, ૮ નવેમ્બર સુધી ચાલે છે, જ્યારે સોમવાર, ૯ નવેમ્બરે જાહેર રજા છે. રોજ સાંજે સાત વાગ્યાથી મધરાત સુધી રોશની ઝગમગે છે, અને એ જ રસ્તા પર થોડે જ ચાલીને શ્રી વીરમાકાલીઅમ્મન મંદિર આવેલું છે.
વિદેશમાં પહેલી દિવાળી માટે સિંગાપોર એટલે યોગ્ય છે કે એ ખૂબ સહજ અને સરળ છે. ભારતથી સારી કનેક્ટિવિટી, પગપાળા ફરી શકાય એવી શેરીઓ, બધે અંગ્રેજી બોલાય, અને આ ઉત્સવ દરેક આવનાર માટે ઊજવાય છે. તમે સાવ અજાણ્યા બનીને પહોંચો, તોય એવું લાગે કે આ સાંજ તમારા માટે જ સજાવવામાં આવી છે.
નેપાળ - પાંચ દિવસ, જ્યાં શ્વાનને પણ હાર પહેરાવાય છેઃ નેપાળનો પ્રકાશપર્વ તિહાર આપણે જે દિવાળી જોઈને મોટા થયા છીએ, એનાથી ઘણો જુદો છે. આ વર્ષે એ ૭થી ૧૧ નવેમ્બર સુધી, પાંચ દિવસ ચાલશે, અને દરેક દિવસ જીવનના એક જુદા પાસાને સમર્પિત છે. પહેલો દિવસ કાગડાઓનો, જેમને સંદેશવાહક માનવામાં આવે છે. પછી શ્વાનનો દિવસ, જ્યારે એમને ફૂલોના હાર, કપાળે તિલક અને ભરપેટ ભોજન મળે છે. આ વર્ષે એ જ દિવસે, ૮ નવેમ્બરે, લક્ષ્મીપૂજન પણ છે, જ્યારે ઘરો દીવા અને રંગોળીથી ઝળહળી ઊઠે છે. પછી ગાયોનો અને બળદોનો વારો આવે છે, અને કાઠમંડુ ખીણના નેવાર સમુદાયના લોકો મ્હા પૂજા નામની આત્મપૂજાની વિધિ સાથે પોતાનું નવું વર્ષ ઊજવે છે. છેલ્લો દિવસ ભાઈ ટીકા ભાઈ-બહેનના સ્નેહને સમર્પિત છે.
દશૈં પછી તિહાર નેપાળનો બીજો સૌથી મોટો તહેવાર છે. આ દિવસોમાં કાઠમંડુ ગલગોટા, દીવા અને સંગીતથી ભરાઈ જાય છે, અને ગાયકોની ટોળીઓ ઘરે ઘરે ફરીને દેઉસી અને ભૈલોનાં ગીતો ગાય છે. તિહાર યાદ અપાવે છે કે જે તહેવારને આપણે સારી રીતે જાણીએ છીએ, એ પણ પાડોશી દેશમાં જઈને આપણને અચરજ પમાડી શકે છે.
મૉરિશિયસ - જ્યાં દરેક આંગણે દીવો ઝળકે છેઃ મૉરિશિયસમાં આ તહેવાર દિવાલી તરીકે ઓળખાય છે, અને રવિવાર, ૮ નવેમ્બર તથા પછીનો સોમવાર, બંને દિવસ ત્યાં જાહેર રજા છે. ટાપુની લગભગ બે-તૃતીયાંશ વસ્તી ભારતીય મૂળની છે, જેમાંના મોટા ભાગના ઓગણીસમી સદીમાં ત્યાં લઈ જવાયેલા ગિરમીટિયા મજૂરોના વંશજો છે, અને હિંદુઓ ત્યાંની વસ્તીનો લગભગ અડધો હિસ્સો છે. દરેક ઘરના આંગણે માટીના દીવા પ્રગટે છે, અને આખો ટાપુ એવી ઝાંખી રોશનીમાં નહાઈ ઊઠે છે, જે પ્રવાસીઓને વર્ષો સુધી યાદ રહે છે.
સૌથી સુંદર વાત એ છે કે આ ઉત્સવમાં કોણ કોણ જોડાય છે. બીજા ધર્મના પાડોશીઓ પણ સજાવટમાં હાથ બટાવે છે, અને આ રજા કોઈ એક સમુદાયની નહીં, આખા દેશની બની જાય છે. જે લોકો આ તહેવારને ત્યાં લઈ ગયા, એમના કરતાં પણ એ વધુ મોટો બની ગયો છે.
હજુ પણ દૂરઃ આ જ વાર્તા ફિજી અને ગુયાનામાં, શ્રીલંકા અને મ્યાનમારમાં, અને મલેશિયામાં પણ દોહરાય છે, જ્યાં લગભગ દરેક રાજ્યમાં દીપાવલીની રજા હોય છે. દરેક દેશ એ જ વાર્તા પોતાના કિનારેથી કહે છે. લોકો પોતાની સાથે કંઈક નાનું લઈ ગયા, એક દીવો, એક વાનગીની રીત, એક પ્રાર્થના, અને એ ત્યાંની ધરતીમાં મૂળ નાખીને ઊગી નીકળ્યું.
મહેમાન બનવાનો આનંદઃ ઘરે તો દિવાળી એટલે કામ પણ ખરું. કોઈ સાફસફાઈમાં લાગ્યું હોય, કોઈ રસોડામાં, કોઈ મહેમાનોની સરભરામાં, તો કોઈ એનો હિસાબ રાખતું હોય કે કોણ મળવા આવ્યું અને કોણ નથી આવ્યું. તહેવાર અદ્ભુત છે, પણ સાથે કામની એક લાંબી યાદી પણ છે.
વિદેશમાં આ યાદી ગાયબ થઈ જાય છે. તમે બીજાઓ દ્વારા ઊજવાતા તહેવારના મહેમાન હો છો. નિરાંતે દીવા પ્રગટતા જોઈ શકો, મીઠાઈનો સ્વાદ માણી શકો, અને એવી નાની નાની વાતો પર ધ્યાન આપી શકો, જે ઘરે વ્યસ્તતામાં નજરે જ નથી ચડતી. રાતના અંધારામાં ઝળહળતી લિટલ ઇન્ડિયાની શેરી, કાઠમંડુમાં દરેક પગથિયે દીવાવાળું કોઈ બારણું, મૉરિશિયસમાં માટીના દીવાઓથી સજેલું કોઈ આંગણું. તમે તહેવારને એ રીતે જુઓ છો જે રીતે કોઈ બાળક જુએ, રોશની, ખાણીપીણી, ધમાલ અને લોકો, બસ એટલું જ, કોઈ જવાબદારી વિના.
આમાંનું કશું ઘરની દિવાળીનું સ્થાન લેતું નથી. એ ફક્ત તહેવારને જોવાની એક બીજી નજર આપે છે, અને તમે એનો અર્થ વધુ ઊંડાણથી સમજીને પાછા ફરો છો.
કેવી રીતે માણવી આ દિવાળી વહેલું બુકિંગ કરોઃ દિવાળીનું અઠવાડિયું ભારતીયો માટે પ્રવાસનો સૌથી વ્યસ્ત સમય હોય છે, અને ફ્લાઇટ્સ તથા હોટેલ્સ ઝડપથી ભરાઈ જાય છે. થોડા દિવસ વહેલા પહોંચો, કારણ કે તૈયારી, રોશની, બજારો અને ખરીદી, આ બધું તહેવારનો અડધો આનંદ છે.
સ્થાનિક તારીખ ચકાસી લોઃ આ વર્ષે સિંગાપોર, નેપાળ અને મૉરિશિયસ, ત્રણેયમાં મુખ્ય ઉજવણી ૭ અને ૮ નવેમ્બરની આસપાસ છે, પણ મુખ્ય દિવસ અને રીતરિવાજો જગ્યાએ જગ્યાએ બદલાય છે, એટલે કોઈ એક સાંજનું આયોજન કરતાં પહેલાં ત્યાંથી ખાતરી કરી લેજો.
પ્રેક્ષક નહીં, મહેમાન બનીને જાઓઃ મંદિરોમાં મર્યાદાસભર વસ્ત્રો પહેરો, કોઈ પરિવારની પૂજાનો ફોટો લેતાં પહેલાં પૂછી લો, અને આમંત્રણ મળે તો પ્રેમથી સ્વીકારો. ઉજવણી કરનારા લોકો કોઈ શો નથી કરી રહ્યા, પણ પોતાના મૂળથી દૂર એક તહેવારને જીવંત રાખી રહ્યા છે, અને તમે ફક્ત જોવા આવ્યા છો કે એમાં જોડાવા, એ એમને તરત સમજાઈ જશે.
સાથે કંઈક નાનું લઈ જાઓઃ ઘરેથી લઈ ગયેલું મીઠાઈનું એક બૉક્સ, કોઈના ઘરે આમંત્રણ મળે તો એક સુંદર ભેટ બની રહે છે.
તહેવાર કોઈ સ્થળ નથીઃ આપણામાંના મોટા ભાગના લોકો માટે દિવાળી હંમેશાં એક ઘર, એક આંગણું, થોડા જાણીતા ચહેરા જ રહેશે. અને એ યોગ્ય પણ છે. પણ લગભગ બે સદીના સ્થળાંતરે સાબિત કરી દીધું છે કે આ તહેવારને ટકી રહેવા કોઈ સરનામાની જરૂર નથી. એને જોઈએ છે ફક્ત એક દીવો, અને એને પ્રગટાવનાર કોઈ વ્યક્તિ.
એટલે જ વિદેશમાં દિવાળી ઊજવવી, જેટલું લાગે છે એટલું ઘરથી દૂર જવા જેવું નથી. દીવો એ જ છે. બસ, શેરી જુદી છે.
જાણો અજાણ્યુંઃ વીણા વર્લ્ડ પર અમે ફ્લાઇટ બુકિંગ શરૂ કર્યું ત્યારથી હું એરપોર્ટ્સ વિશેની એક પછી એક રસપ્રદ વાતોમાં ખોવાતો રહું છું. આ અઠવાડિયાના લેખમાં મૉરિશિયસ છે, તો ત્યાં દિવાળીએ આવનારા પ્રવાસીઓનું સ્વાગત કરતા એરપોર્ટની વાત કરું.
મૉરિશિયસનું મુખ્ય આંતરરાષ્ટ્રીય પ્રવેશદ્વાર છે સર શિવસાગર રામગુલામ ઇન્ટરનૅશનલ એરપોર્ટ, જે ૧૯૮૭ સુધી એની જગ્યાના નામ પરથી ફક્ત પ્લેઝાન્સ તરીકે ઓળખાતું. એની શરૂઆત ૧૯૪૨માં, જ્યારે મૉરિશિયસ બ્રિટિશ કૉલોની હતું, ત્યારે યુદ્ધકાળના એક લશ્કરી હવાઈમથક તરીકે થઈ હતી, અને પછી એને નાગરિક ઉડાનો માટે ખોલવામાં આવ્યું.
૧૯૮૭માં એનું નામ એ વ્યક્તિના નામ પરથી રાખવામાં આવ્યું, જેમને રાષ્ટ્રપિતા માનવામાં આવે છે. શિવસાગર રામગુલામ લંડનમાં ભણેલા એક ડૉક્ટર હતા, જે ૧૯૩૫માં ટાપુ પર પાછા ફર્યા. એમણે એવી પ્રજા માટે કામ કર્યું, જે મોટે ભાગે ભારતીય ગિરમીટિયા મજૂરો અને ગુલામ બનાવાયેલા આફ્રિકનોની વંશજ હતી. તેઓ દેશના પહેલા વડાપ્રધાન બન્યા, અને ૧૯૬૮માં દેશને આઝાદી અપાવી.
આમ, તહેવારની વાર્તા અને એરપોર્ટની વાર્તા આખરે એક જ નીકળે છે. જે મજૂરો દરિયો ઓળંગીને દિવાળી પોતાની સાથે લઈ ગયા, તેઓ આજે ટાપુની મોટા ભાગની વસ્તીના પૂર્વજો છે, અને દરેક પ્રવાસી જે દ્વારમાંથી પસાર થાય છે, એ દ્વાર પર એ વ્યક્તિનું નામ છે, જેમણે એમના વંશજોને એક રાષ્ટ્ર બનાવ્યું. ૨૦૧૩માં બનેલું એનું ટર્મિનલ પણ ટાપુ પર ઊગતા ટ્રાવેલર્સ પામ નામના વૃક્ષના આકારે રચાયું છે. પ્રવાસ કરીને આવેલા લોકોએ ઘડેલા દેશ માટે આનાથી વધુ યોગ્ય પ્રતીક બીજું શું હોઈ શકે!
દિવાળીની કોઈ સાંજે ત્યાં ઊતરો, તો સૌથી પહેલાં તમે એ જ સફરના એક સ્મારકમાંથી પસાર થાઓ છો. સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ અને નૂતન વર્ષાભિનંદન!































Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.