Published in Gujarat Samachar 22nd November 2026
...ત્રણ અક્ષર નાની વાત લાગે, પણ એમાં પાના પરના મોટા ભાગના શબ્દો કરતાં વધુ ઇતિહાસ સમાયેલો છેે...
આલેખ હું સિંગાપોરના ચાંગી એરપોર્ટ પરથી લખી રહ્યો છું, હાથમાં હવે નકામો બની ગયેલો બોર્ડિંગ પાસ છે. મુંબઈથી સિંગાપોરની મારી ફ્લાઇટ મોડી પડી, બાલીની કનેક્ટિંગ ફ્લાઇટ છૂટી ગઈ, અને ડેનપસાર જતી હવે પછીની ફ્લાઇટ છ કલાક પછી છે. હમણાં જ મેં લખ્યું હતું કે લાંબો લેઓવર મને આશીર્વાદ જેવો લાગે છે. હવે એ સિદ્ધાંતની કસોટી અઘરી રીતે થવાની છે.
જોકે, એરપોર્ટ કોડ્સ વિશે વિચારવા આ જ યોગ્ય જગ્યા છે. આજે મારા બોર્ડિંગ પાસ પર BOM, SIN અને DPS લખેલું છે, એટલે કે મુંબઈ, સિંગાપોર અને ડેનપસાર. SINને સમજાવવાની જરૂર નથી, જોકે કબૂલ કરું કે અંગ્રેજીમાં પાપ અર્થ ધરાવતા આ ત્રણ અક્ષર, શિસ્ત માટે જાણીતા આ શહેર સાથે ક્યારેય મેળ ખાતા નથી લાગ્યા. રાયા અને આરવની ફ્લાઇટ્સની જે યાદી હું રાખું છું, એ ધ્યાનથી જુઓ તો આવા જ અક્ષરોની યાદી છે. BOMથી UDR. BOMથી GOX. BOMથી HKT. ISTથી TIV. SJJથી IST. અને કોઈ ચેક-ઇન કાઉન્ટર પર કોઈએ એમાંનો એક પણ અક્ષર સમજાવ્યો નથી. બૅગ ટૅગ, બોર્ડિંગ પાસ અને ડિપાર્ચર બોર્ડ પર લખેલા આ કોડ્સને આપણે ઘોંઘાટ ગણી અવગણીએ છીએ. હકીકતમાં, દરેક કોડ ઇતિહાસનો એક નાનકડો ટુકડો છે, અને ફ્લાઇટ્સનો શોખીન હોવાને કારણે કબૂલ કરું કે મને એનું ભારે આકર્ષણ છે. બોર્ડિંગ પાસ એક નાનકડું મ્યુઝિયમ છે, અને આ કોડ્સ એનાં પ્રદર્શનો.
એરપોર્ટ કોડ્સની શરૂઆત ૧૯૩૦ના દાયકામાં થઈ, જ્યારે એરલાઇન્સ સામાન્ય રીતે પોતાના બે અક્ષરના ટૂંકા કોડ પસંદ કરતી, જે ઘણી વાર હવામાન કેન્દ્રો પરથી લેવાતા. ઉદાહરણ તરીકે, લૉસ એન્જલસ ફક્ત LA હતું. પણ બે અક્ષર લાંબું ન ચાલ્યા. એરપોર્ટ્સ વધી ગયાં અને અક્ષરોનાં જોડાણ ઓછાં પડ્યાં, એટલે ૧૯૪૦ના દાયકામાં ત્રણ અક્ષરની વ્યવસ્થા આવી. ઘણાં શહેરોએ જૂના કોડની પાછળ એક અક્ષર ઉમેરી દીધો. અમેરિકામાં ૧૯૪૭માં LAનું LAX થયું, પોર્ટલૅન્ડનું PD બન્યું PDX, અને ફિનિક્સનું PH બન્યું PHX. આ X ફક્ત જગ્યા પૂરવા હતો, એનો કોઈ અર્થ નહોતો. પણ એ એવો ચોંટી ગયો કે આજે LAX દુનિયાભરમાં સોવેનિયર્સ પર દેખાતી એક બ્રાન્ડ બની ગયો છે. પછી IATAએ આ કોડ્સની જવાબદારી સંભાળી, જે એમને કાયમી ગણે છે. એક વાર કોડ અપાઈ જાય, પછી ભાગ્યે જ બદલાય. આ નિયમ જ આગળની વિચિત્રતાઓ સમજાવે છે.
શરૂઆત આપણા ઘરથી કરીએ. મુંબઈ એરપોર્ટનો કોડ BOM છે, કારણ કે કોડ અપાયો ત્યારે શહેર બૉમ્બે કહેવાતું. ચેન્નઈ MAA છે, મદ્રાસ પરથી, કારણ કે વધુ સહજ લાગતો MAD તો મૅડ્રિડ પાસે હતો. કોલકાતા CCU છે, કલકત્તા પરથી. બેંગલુરુ BLR છે, બૅંગલોર પરથી. ૧૯૯૫થી ૨૦૧૪ વચ્ચે શહેરોનાં નામ બદલાયાં, પણ કોડ્સ જ્યાં હતા ત્યાં જ રહ્યા. હમણાં જ અમે નવી મુંબઈથી તિરુવનંતપુરમ ગયા, જેનો કોડ TRV છે, જે આજે પણ ત્રિવેન્દ્રમ કહે છે. અને પુણે PNQ છે, પૂનાની નિશાની. આ દરેક કોડ જૂના નકશાનો થીજી ગયેલો ફોટો છે, એવું નામ જે સાઇનબોર્ડ પરથી ગાયબ થઈ ફક્ત ત્રણ અક્ષરમાં જીવે છે.
ડોમેસ્ટિક રૂટ મૅપ જુઓ, તો એક પૅટર્ન નજરે ચડે. ચંદીગઢ IXC છે. બાગડોગરા IXB છે. મેંગલુરુ IXE છે, લેહ IXL છે, અને પોર્ટ બ્લેર IXZ, જેના નામમાં ક્યાંય Z છે જ નહીં. IX શ્રેણીની ઉત્પત્તિ વિશે મતભેદ છે, પણ સામાન્ય સમજૂતી વ્યવહારુ છે. આમાંનાં ઘણાં નાનાં કે લશ્કરી હવાઈમથકો હતાં, જેની સાથે નાગરિક ટર્મિનલ જોડાયેલું હતું, અને એમના માટે ભારતને IXથી શરૂ થતા કોડ્સનો એક બ્લૉક મળ્યો. બાગડોગરા અને ચંદીગઢ આજે પણ એરફોર્સ સ્ટેશનો પરના સિવિલ એન્ક્લેવ છે.
કેટલાક કોડ્સ એવી જગ્યાઓની યાદ છે, જે હવે રહી જ નથી. શિકાગો એરપોર્ટનો કોડ ORD છે, જે ઑર્ચર્ડ ફીલ્ડ પરથી આવ્યો છે. એ સમયે ત્યાં ઑર્ચર્ડ પ્લેસ નામની ખેતીની જમીન પર ડગ્લસ કંપનીની વિમાન ફૅક્ટરી હતી. ૧૯૪૯માં શહેરે એનું નામ નૌસેનાના બહાદુર પાઇલટ એડવર્ડ બચ ઓહેરના નામ પરથી ઓહેર કરી દીધું, પણ કોડ ન બદલાયો, અને ORD આજે પણ એક ફળવાડીની યાદ બનીને જીવે છે. ઑલર્ૅન્ડોનો કોડ MCO છે, જે મૅકૉય એરફોર્સ બેઝનો કોડ હતો. આ બેઝનું નામ ૧૯૫૭ના વિમાન અકસ્માતમાં મૃત્યુ પામેલા કર્નલ માઇકલ મૅકૉયના નામ પરથી હતું. ૧૯૭૦ના દાયકામાં બેઝ બંધ થયો, એરપોર્ટે એ જગ્યા લઈ લીધી, અને કોડ એ જ રહ્યો. ટોરોન્ટોનો કોડ YYZ છે, અને કૅનેડાના દરેક કોડની શરૂઆત Yથી થાય છે. એનું કારણ હવામાન કેન્દ્રો, રેડિયો બીકન્સ અને રેલવે ટેલિગ્રાફ કોડ્સની ગૂંચ છે, જેના પર આજે પણ ચર્ચા થાય છે. Y ૧૯૩૦ના દાયકાની વ્યવસ્થામાંથી વારસામાં મળ્યો, અને YYZ માલ્ટન વિસ્તારના એક જૂના ઓળખ-ચિહ્ન પરથી આવ્યો છે, જ્યાં એરપોર્ટ બંધાયું. કોડ ઇમારતનો નહીં, જગ્યાનો હોય છે. ૨૦૧૯માં ઇસ્તંબુલનું એરપોર્ટ ખસ્યું, ત્યારે IST કોડ પણ એની સાથે ખસ્યો. અને ગોવામાં હવે બે એરપોર્ટ છે, ડાબોલિમ, જેનો કોડ GOI છે, અને મોપાનું નવું એરપોર્ટ, જેનો કોડ GOX છે.
એક બીજો કોડ પણ છે, જે મુસાફરો ક્યારેય જોતા નથી. એર ટ્રાફિક કન્ટ્રોલર્સ અને પાઇલટ્સ ICAOના ચાર અક્ષરના કોડ્સ વાપરે છે, અને ભારતમાં એ એક સુંદર પૅટર્નને અનુસરે છે. દરેક ભારતીય કોડ Vથી શરૂ થાય છે, અને બીજો અક્ષર પ્રદેશ દર્શાવે છેઃ પશ્ચિમ માટે A, પૂર્વ માટે E, ઉત્તર માટે I અને દક્ષિણ માટે O. છેલ્લા બે અક્ષર જગ્યાનું ટૂંકું નામ હોય છે. એટલે મુંબઈ છે VABBઃ V ભારત માટે, A પશ્ચિમ માટે અને BB બૉમ્બે માટે. ચેન્નઈ છે VOMM, O દક્ષિણ અને MM મદ્રાસ માટે. કોલકાતા છે VECC, E પૂર્વ માટે, અને બેંગલુરુ છે VOBL. આ નિયમ સમજાય, તો ભારતીય એરપોર્ટને પિનકોડની જેમ વાંચી શકાય.
થોડી આદતો આ કોડ્સને ઉપયોગી પણ બનાવે છે. કોડ શહેરના નામ સાથે મેળ ન ખાય, તો પહેલાં જૂનું નામ યાદ કરો, મોટા ભાગના કોયડા એનાથી જ ઉકલી જશે. નાના રૂટ્સ પર અક્ષરો નહીં, ટિકિટ પરનું એરપોર્ટનું નામ જુઓ. અને જે શહેરમાં એકથી વધુ એરપોર્ટ હોય, ત્યાં ખાસ ધ્યાન રાખો. મુંબઈમાં હવે બે એરપોર્ટ છે, BOM અને નવી મુંબઈનું NMI, અને કેટલીક ફ્લાઇટ્સ એકથી બીજા પર ખસી રહી છે, એટલે ટિકિટ પરના ત્રણ અક્ષર જ નક્કી કરે છે કે તમારે ક્યાં જવાનું છે. થોડી સેકન્ડની આ આદત તમને મોંઘી ટૅક્સી સવારીથી બચાવી શકે છે.
તો હવે પછી જ્યારે હાથમાં બોર્ડિંગ પાસ આવે, ત્યારે એક ક્ષણ એ અક્ષરો તરફ જોજો. BOM એવું શહેર છે, જેણે પોતાનું નામ બદલ્યું. ORD એક ફળવાડી છે, જે જેટ યુગ પહેલાં જ ગાયબ થઈ ગઈ. MCO એક કર્નલ છે, જે વિમાન અકસ્માતમાં મૃત્યુ પામ્યા. LAX એક ખાલી જગ્યા પૂરતો અક્ષર છે, જે બ્રાન્ડ બની ગયો. ત્રણ અક્ષર નાની વાત લાગે, પણ એમાં પાના પરના મોટા ભાગના શબ્દો કરતાં વધુ ઇતિહાસ સમાયેલો છે.
જાણો અજાણ્યું
વીણા વર્લ્ડ પર અમે ફ્લાઇટ બુકિંગ શરૂ કર્યું ત્યારથી હું એરપોર્ટ્સ વિશેની એક પછી એક રસપ્રદ વાતોમાં ખોવાતો રહું છું, અને આ લખતી વખતે હું દુનિયાના શ્રેષ્ઠ એરપોર્ટ્સમાંના એકમાં બેઠો છું. ચાંગી કોઈ સંયોગ નથી. ૨૦૨૫માં એણે ચાર ટર્મિનલ દ્વારા આશરે ૭ કરોડ મુસાફરોને સંભાળ્યા, અને સ્કાયટ્રૅક્સે એને રેકૉર્ડ ૧૩ વાર વર્લ્ડ્સ બેસ્ટ એરપોર્ટનો ખિતાબ આપ્યો છે. એનું સૌથી જાણીતું આકર્ષણ સામાન્ય જરૂરિયાતમાંથી જન્મ્યું. જ્વેલ ચાંગી એરપોર્ટ ટર્મિનલ ૧ સામેના ખુલ્લા કાર પાર્કિંગ પર બંધાયું, કારણ કે એરપોર્ટને વધુ ક્ષમતાની જરૂર હતી. પણ આર્કિટેક્ટ મોશે સફદીએ રચેલું પરિણામ છે એક કાચનો ઘુમ્મટ, જેના હૃદયમાં ૪૦ મીટર ઊંચો રેઇન વૉર્ટેક્સ ધોધ છે, દુનિયાનો સૌથી ઊંચો ઇન્ડોર ધોધ, અને એની આસપાસ આશરે ૨૨,૦૦૦ ચોરસ મીટરમાં ફેલાયેલું પાંચ માળનું ઇન્ડોર જંગલ.
અટવાયેલા મુસાફર માટે ખાસ વાત આ છે. જ્વેલ ઇમિગ્રેશનની બહાર છે, એટલે ત્યાં જવા ઇમિગ્રેશન પાર કરવું પડે. પણ ટર્મિનલ્સને જોડતી સ્કાયટ્રેન આ બગીચાની ઉપરથી, ધોધની નજીકથી પસાર થાય છે, એટલે ઇમિગ્રેશનની અંદર રહેનારા મુસાફરો પણ ટ્રેનની બારીમાંથી રેઇન વૉર્ટેક્સ જોઈ શકે છે. ટર્મિનલ ૩માં એક હજારથી વધુ પતંગિયાંવાળો બટરફ્લાય ગાર્ડન છે, અને ટર્મિનલ ૧માં કૅક્ટસ ગાર્ડન. એક એરપોર્ટે જંગલ બનાવવા પોતાનું કાર પાર્કિંગ આપી દીધું, અને મોડો પડેલો મુસાફર ટ્રેનની બારીમાંથી એ માણી શકે છે. બાલીની ફ્લાઇટની રાહ જોતાં વિચારું છું, અટવાઈ જવા માટે આનાથી ખરાબ જગ્યાઓ ઘણી છે.
તમને શું લાગે છે? મને [email protected] પર લખો, અને ચાલો વાતચીતની શરૂઆત કરીએ.
મળીએ આવતા અઠવાડિયે...
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.