Published in Gujarat Samachar 4th October 2026
...આવી ઘટનાઓ આપણને યાદ અપાવે છે કે દુનિયાના સૌથી અદ્ભુત નજારા આપણા કૅલેન્ડર પ્રમાણે નથી બનતા. એ આપણને યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ હાજર રહેવાનું કહે છેે...
બાર ઑગસ્ટ 2026 ની સાંજે સ્પેનમાં કંઈક અસાધારણ બન્યું. ચંદ્ર સૂર્યની બરાબર આગળ સરકતાં જ દિવસનો પ્રકાશ ધીમો પડ્યો, પક્ષીઓ શાંત થઈ ગયા, હવામાં ઠંડક છવાઈ અને હિલટૉપ ટાઉન્સ, સિટી સ્ક્વેર અને બીચ પર એકઠા થયેલા લાખો લોકો તાળીઓના ગડગડાટથી એ અદ્ભુત ક્ષણને વધાવી રહ્યા હતા. મેઇનલેન્ડ સ્પેનમાં 1905 પછી પહેલી વાર પૂર્ણ સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું.
હવે ચંદ્રની છાયા દક્ષિણ તરફ આગળ વધી રહી છે. શનિવાર, 22 જુલાઈ 2028ના રોજ એક પૂર્ણ સૂર્યગ્રહણ ઑસ્ટ્રેલિયાના આકાશ પરથી પસાર થશે, પશ્ચિમ ઑસ્ટ્રેલિયાના કિમ્બર્લી કોસ્ટથી શરૂ થઈ આઉટબૅકને ઓળંગીને સિડનીના હૃદય સુધી પહોંચશે. લગભગ ચાર મિનિટ સુધી હાર્બર બ્રિજ અને ઓપેરા હાઉસ અંધારું પડેલા બપોરના આકાશ સામે કાળી છાયારેખા સમાન દેખાશે, જ્યારે સૂર્યનો મોતી જેવો કોરોના કાળા ગોળાની આસપાસ ઝળહળતો હશે. સિડનીએ છેલ્લું પૂર્ણ સૂર્યગ્રહણ 1857માં જોયું હતું અને હવે ફરી 2858 સુધી એવું દૃશ્ય જોવા નહીં મળે.
પશ્ચિમ ઑસ્ટ્રેલિયાના દૂરના ઉત્તરમાં પૂર્ણ ગ્રહણનો સમય પાંચ મિનિટથી પણ વધુ રહેશે. ત્યાર પછી ચંદ્રની છાયા ટાસ્મન સીને પાર કરી ન્યૂઝીલેન્ડના સાઉથ આઇલૅન્ડ સુધી દોડી જશે, જ્યાં 1965 પછી પહેલી વાર પૂર્ણ સૂર્યગ્રહણ જોવા મળશે. એટલે જ એને ધ ગ્રેટ ઑસ્ટ્રેલેશિયન એક્લિપ્સ કહેવામાં આવી રહ્યું છે.
આટલું વિરલ કેમ? સરેરાશ રીતે પૃથ્વી પર કોઈ એક ચોક્કસ સ્થળ પરથી લગભગ 375 વર્ષે માત્ર એક વાર પૂર્ણ સૂર્યગ્રહણ જોવા મળે છે. કોઈ ભવ્ય હાર્બર સિટી ચંદ્રની છાયાની બરાબર નીચે આવી જાય, તો એ બ્રહ્માંડનું એવું અદ્ભુત ટાઇમિંગ છે જે સામાન્ય શનિવારને પેઢીઓ સુધી યાદ રહે એવી ક્ષણમાં બદલી દે છે. એ આપણને યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ હાજર રહેવાનું કહે છે. તો આજે સિડનીના આકાશની પેલે પાર જઈને દુનિયાભરની આવી જ સદીમાં એક વાર કે એવી જ વિરલ કુદરતી અને માનવીય ઘટનાઓને જાણીએ.
સદીમાં એક વારની કુદરતી ઘટનાઓ: કુદરત આપણને ભવ્ય નજારાઓથી ચોંકાવવાની પોતાની આગવી રીત ધરાવે છે. એમાંની ઘણી ઘટનાઓ એટલી વિરલ હોય છે કે જેને પોતાની આંખે જોનારા માટે એ જીવનમાં એક વાર મળતા અનુભવ બની જાય છે. આવી સૌથી જાણીતી ઘટનાઓમાંની એક છે હેલીનો ધૂમકેતુ, જે લગભગ દર 76 વર્ષે આપણા આકાશમાં પરત આવે છે. છેલ્લે 1986માં દેખાયેલો આ ધૂમકેતુ 28 જુલાઈ 2061ના રોજ ફરી સૂર્યની સૌથી નજીક આવશે, ત્યારે આપણા બ્રહ્માંડના આકાશીય નૃત્યની ક્ષણિક છતાં અવિસ્મરણીય ઝલક જોવા મળશે.
ગ્રહણપ્રેમીઓ માટે પણ કૅલેન્ડરમાં એક ખાસ તારીખ છે. 2 ઑગસ્ટ 2027ના રોજ ઇજિપ્તના લક્ઝોર નજીક ચંદ્ર આકાશને 6 મિનિટ 23 સેકન્ડ સુધી અંધારું કરશે. 1991થી 2114 વચ્ચે જમીન પરથી જોવા મળનાર આ સૌથી લાંબું પૂર્ણ સૂર્યગ્રહણ હશે.
પૃથ્વીની બહાર જોનારા માટે ટ્રાન્ઝિટ ઑફ વિનસ તો આથી પણ વિરલ છે. શુક્ર પૃથ્વી અને સૂર્યની બરાબર વચ્ચે પસાર થાય છે અને સૂર્યના ડિસ્ક પર એક નાનકડા કાળા બિંદુની જેમ સરકતો દેખાય છે. આવા ટ્રાન્ઝિટ્સ આઠ વર્ષના અંતરે જોડીમાં થાય છે અને પછી એક સદીથી વધુ લાંબો ગૅપ આવે છે. છેલ્લો ટ્રાન્ઝિટ 2012માં થયો હતો અને હવે આગામી ડિસેમ્બર 2117 સુધી નહીં થાય. બ્રહ્માંડનો સમયમાન કેટલો વિશાળ છે એની આ એક અદ્ભુત યાદ અપાવે છે.
સાંસ્કૃતિક અને ઐતિહાસિક વિરલતાઓ: ઇતિહાસમાં કેટલીક સાંસ્કૃતિક ઘટનાઓ એટલી ભવ્ય રહી છે અને એટલી ઓછી વાર બની છે કે પેઢીઓ માટે એ યાદગાર ઐતિહાસિક ક્ષણો બની જાય છે.
1896માં એથેન્સથી શરૂ થયેલી આધુનિક ઓલિમ્પિક ગેમ્સે આવી ઘણી ઐતિહાસિક ક્ષણો સર્જી છે. 1996માં એટલાન્ટાએ સેન્ટેનિયલ ગેમ્સનું આયોજન કર્યું હતું અને 2024માં પૅરિસે 1924માં ગેમ્સ યોજ્યાના બરાબર એક સદી પછી ફરી ઓલિમ્પિક્સનું સ્વાગત કર્યું. હવે ઓલિમ્પિક ફ્લેમ ડાઉન અન્ડર તરફ જશે, કારણ કે બ્રિસ્બેન 2032ની ગેમ્સનું આયોજન કરશે. આ સાથે 1956માં મેલબર્ન અને 2000માં સિડની પછી ઑસ્ટ્રેલિયા ત્રીજી વાર ઓલિમ્પિક્સ હોસ્ટ કરનાર દેશ બનશે.
રાજાનો રાજ્યાભિષેક પણ એટલી જ મહત્ત્વપૂર્ણ ઘટના છે. 6 મે 2023ના રોજ વેસ્ટમિન્સ્ટર ઍબીમાં કિંગ ચાર્લ્સ ત્રીજાનો રાજ્યાભિષેક થયો ત્યારે 1953માં ક્વીન એલિઝાબેથ દ્વિતીયના રાજ્યાભિષેક પછી 70 વર્ષમાં પહેલી બ્રિટિશ કોરોનેશન સેરેમની થઈ હતી. રસપ્રદ વાત એ છે કે તેઓ ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના પણ રાજા છે. આવી દરેક સેરેમની વર્તમાનને સમૃદ્ધ અને ગૌરવશાળી ભૂતકાળ સાથે જોડે છે.
વિરલ વૈજ્ઞાનિક અને ટેક્નૉલૉજિકલ સિદ્ધિઓ: માનવ બુદ્ધિ અને સર્જનાત્મકતાએ પણ અસાધારણ માઇલસ્ટોન્સ સર્જ્યા છે. એમાં સૌથી રસપ્રદ છે એવી ટાઇમ કૅપ્સ્યુલ્સ, જે હજારો વર્ષ આગળની પેઢીઓ સાથે જોડાવા માટે બનાવવામાં આવી છે.
અમેરિકાના એટલાન્ટામાં આવેલી ઓગલથૉર્પ યુનિવર્સિટીની ક્રિપ્ટ ઑફ સિવિલાઇઝેશન 28 મે 1940ના રોજ સીલ કરવામાં આવી હતી અને એને 28 મે 8113 પહેલાં ખોલવાની મનાઈ છે. યુનિવર્સિટીના પ્રેસિડન્ટ ડૉ. થૉર્નવેલ જેકબ્સની કલ્પનાથી બનેલો આ રૂમ-સાઇઝ ચેમ્બર 1940 સુધીના જીવનનો રેકોર્ડ સાચવી રાખે છે. તેમાં માઇક્રોફિલ્મ પરના પુસ્તકો, રેકૉર્ડિંગ્સ અને રોજિંદા જીવનમાં વપરાતી વસ્તુઓનો સમાવેશ થાય છે. 8113માં વીજળી કદાચ અસ્તિત્વમાં ન હોય એવી શક્યતા ધ્યાનમાં લઈને બનાવનારોએ માઇક્રોફિલ્મ હાથથી વાંચી શકાય એ માટે વિન્ડમિલથી ચાલતો જનરેટર અને મેગ્નિફાયર પણ રાખ્યો છે.
એ જ રીતે, જાપાનની ટાઇમ કૅપ્સ્યુલ એક્સ્પો 70 ઓસાકા કૅસલ પાર્કમાં દફનાવવામાં આવેલી બે એકસરખી કૅપ્સ્યુલ્સથી બનેલી છે. દરેકમાં એ સમયના જાપાનીઝ જીવનની ઝલક આપતી 2,098 વસ્તુઓ રાખવામાં આવી છે. ઉપરની કૅપ્સ્યુલ 2000માં ખોલવામાં આવી હતી અને હવે દર 100 વર્ષે એની તપાસ કરવામાં આવશે, જ્યારે નીચેની કૅપ્સ્યુલ 6970 સુધી સીલ રહેશે, એટલે બનાવ્યા પછી પૂરા 5,000 વર્ષ સુધી. 2000માં ખોલવામાં આવી ત્યારે એની રાઇસ કૂકર અને ટેલિવિઝન સેટ હજુ પણ કામ કરતાં હતાં!
વિરલ કુદરતી અજાયબીઓ: કુદરતના અજાયબ નજારા આપણને અચંબિત કરી મૂકે છે, ખાસ કરીને એવી ઘટનાઓ, જે એટલી વિરલ હોય કે જાણે કોઈ દંતકથાનો ભાગ લાગે.
સાઉથ ઑસ્ટ્રેલિયન આઉટબૅકના ઊંડાણમાં આવેલું કાટી થાન્ડા-લેક આયર આ ખંડનું સૌથી નીચું સ્થળ છે. મોટા ભાગના સમય દરમિયાન એ એક વિશાળ સૉલ્ટ પૅન તરીકે જોવા મળે છે. પરંતુ જ્યારે મૉન્સૂનના વરસાદથી સૈંકડો કિલોમીટર દૂર ક્વીન્સલૅન્ડની નદીઓમાં પૂર આવે છે, ત્યારે પાણી ધીમે ધીમે ડેઝર્ટ પાર કરીને અહીં પહોંચે છે અને એને એક આંતરિક સમુદ્રમાં ફેરવી દે છે, જેમાં માછલીઓ અને પાણીનાં અસંખ્ય પક્ષીઓના વિશાળ ઝુંડ જોવા મળે છે. જ્યારે આવું બને છે ત્યારે આ ઑસ્ટ્રેલિયાનું સૌથી મોટું લેક બની જાય છે અને 9,500 ચોરસ કિલોમીટર સુધી ફેલાઈ શકે છે.
સુમાત્રાના રેઇનફૉરેસ્ટ્સમાં જોવા મળતું ટાઇટન એરમ, એટલે કે કૉર્પ્સ ફ્લાવર, પહેલી વાર ખીલવા માટે સાતથી દસ વર્ષ લે છે અને એની બ્લૂમ માત્ર એકાદ-બે દિવસ ટકે છે. સડેલા માંસ જેવી એની ગંધ પરાગસંચય કરનાર જીવજંતુઓને આકર્ષે છે અને દુનિયાભરના બૉટનિકલ ગાર્ડન્સમાં લોકો એની બ્લૂમ જોવા માટે લાંબી લાઇન લગાવે છે. આપણા દેશની નજીક, ભારતના વેસ્ટર્ન ઘાટ્સમાં નીલકુરિંજી દર 12 વર્ષે પહાડોને વાદળી રંગથી રંગી દે છે. મુન્નારમાં છેલ્લે 2018માં આ પ્રસિદ્ધ બ્લૂમ જોવા મળ્યો હતો અને હવે આગામી 2030માં આવવાની અપેક્ષા છે.
વૈશ્વિક સદી અને સહસ્રાબ્દીની ઘટનાઓ: કેટલીક ઘટનાઓ એક માનવજીવનથી પણ આગળ જાય છે. એ પેઢીઓને જોડે છે અને માનવજાતની પ્રગતિના ખાસ માઇલસ્ટોન્સ બની રહે છે.
વર્ષ 2000નું આગમન એવો જ એક વૈશ્વિક ક્ષણ હતો. સિડનીના હાર્બર બ્રિજ ઉપરના ફટાકડાથી લઈને પૅરિસના ઝળહળતા આઇફેલ ટાવર સુધી, દુનિયાભરનાં શહેરોએ નવા મિલેનિયમનું ભવ્ય સ્વાગત કર્યું. એ ક્ષણે માનવજાતને ભવિષ્ય માટેની એકસમાન આશામાં જોડીને યાદ અપાવ્યું કે એક પેઢી પોતાની પરંપરાઓ અને સપનાં આગળની પેઢીને કેવી રીતે સોંપે છે.
બીજું ઉદાહરણ છે 10,000 યર ક્લૉક, જેને ક્લૉક ઑફ ધ લૉંગ નાઉ પણ કહેવામાં આવે છે, અને જે વેસ્ટ ટેક્સાસના એક પર્વતની અંદર ઊંડે બનાવવામાં આવી રહી છે. આ સંપૂર્ણપણે મિકૅનિકલ ક્લૉક વર્ષમાં માત્ર એક વાર ટિક કરશે. એની સદીની હૅન્ડ દર 100 વર્ષે એક વાર આગળ વધશે અને દર સહસ્રાબ્દીએ એક કુકુ બહાર આવશે. એની ઘંટડીઓ પહેલી વાર 2022માં વાગી હતી.
આવી વિરલ ઘટનાઓ આપણને પોતાની જાતથી પણ વિશાળ એવી દુનિયા સાથે જોડે છે. એ આપણને પહેલાં આવી ગયેલી પેઢીઓ અને ભવિષ્યમાં આવનારી પેઢીઓ સાથે એક અદૃશ્ય કડીથી બાંધે છે.
એ આપણને થોડું થોભવા, આજુબાજુની દુનિયાને આશ્ચર્યથી નિહાળવા અને આ વિશાળ દુનિયામાં આપણું સ્થાન સમજવા પ્રેરણા આપે છે. કદાચ તમારી જીવનમાં એક વાર મળનારી ક્ષણ જુલાઈ 2028માં સિડની હાર્બરની બાજુ ઊભા રહીને દિવસને રાતમાં બદલાતો જોવાની હોય. તમે જે પસંદ કરો, દુનિયા તમારી રાહ જોઈ રહી છે અને એની વિરલ અજાયબીઓ તમને બોલાવી રહી છે. ફરી મળીશું ત્યાં સુધી, કીપ સેલિબ્રેટિંગ લાઇફ!









































Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.