સ્વીસ આલ્પ્સથી ઓસ્ટ્રેલિયન આઉટબેક સુધી બોલીવૂડના ફિલ્મી બ્રહ્માંડમાં છવાઈ ગયેલાં પ્રતિકાત્મક વૈશ્ર્વિક સ્થળોની ખોજ કરો. ભારતની સૌથી વહાલી ફિલ્મોને મઢી લેનારી ક્ષિતિજો થકી પ્રવાસ કરો.
Published in the Sunday Gujarat Samachar on 25 February, 2024
પ્રવાસની લગની સાથે સિનેમાના શોખીન તરીકે હું હંમેશાં બોલીવૂડની ફિલ્મો તેના દર્શકોને દુનિયાભરનાં અદભુત સ્થળોમાં જે રીતે લઈ જાય છે તેનાથી મોહિત રહ્યો છું. બોલીવૂડની વાર્તાકથનની ખૂબી ભારતની ભૌગોલિક સીમાઓ પૂરતી સીમિત નથી, પરંતુ ભારતીય ફિલ્મકારોએ મોટા પડદા પર વૈવિધ્યપૂર્ણ પાર્શ્ર્વભૂ અને અસલ અનુભવો લાવવા માટે વિવિધ ખંડોનો પ્રવાસ ખેડ્યો છે. સ્વિટઝર્લેન્ડનાં બરફાચ્છાદિત શિખરોથી લઈને ન્યૂ યોર્કની ધમધમતી ગલીઓ સુધી, બોલીવૂડની ફિલ્મોએ આ સ્થળોને તેમના પોતાના અધિકારમાં પાત્ર બનાવી દીધાં છે, જે મોટે ભાગે પ્રવાસના પ્રવાહોને પ્રભાવિત કરવા સાથે સાંસ્કૃતિક આદાનપ્રદાનને પ્રોત્સાહિત પણ કરે છે. તો આજે હું બોલીવૂડમાં જોવા મળેલાં સૌથી વિખ્યાત શૂટિંગ સ્થળો, જે ફિલ્મકારોની કલ્પનાઓને મઢી લેવા સાથે મારા જેવા ચાહકો માટે બકેટ-લિસ્ટ સ્થળો બની ચૂક્યા છે તેની સેર કરાવવા તમને લઈ જવા માગું છું.
અને જો શરૂઆત કરવા માટે કોઈ એક ઉત્તમ સ્થળ હોય તો તે યુરોપ હોવું જોઈએ. સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને નયનરમ્ય ક્ષિતિજો સાથે યુરોપદાયકાઓથી બોલીવૂડના ફિલ્મકારોમાં ફેવરીટ રહ્યું છે. ખંડની વૈવિધ્યપૂર્ણ પાર્શ્ર્વભૂ-પેરિસની રોમેન્ટિક ગલીઓથી લઈને સ્વીસ આલ્પ્સના નયનરમ્ય સૌંદર્ય સુધી તમામે અગણિત અવિસ્મરણીય દ્રશ્યો માટે ઉત્તમ પાર્શ્ર્વભૂ પૂરી પાડી છે.
સ્વિટ્ઝર્લેન્ડનો ઉલ્લેખ કર્યા વિના બોલીવૂડનાં સમુદ્રપારનાં શૂટિંગ સ્થળોની ચર્ચા પૂરી નહીં થઈ શકે. બોલીવૂડ અને સ્વીસ ક્ષિતિજો વચ્ચે પ્રેમપ્રકરણ ડાયરેક્ટર યશ ચોપરા દ્વારા ખીલવવામાં આવ્યું હતું, જેથી તેમને ‘ભારત માટે સ્વિટઝર્લેન્ડની શોધ કરનારા માનવી’ તરીકે વહાલું શીર્ષક મળ્યું હતું. ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ જેવીફિલ્મોમાં તે દેશની અદભુત પહાડીઓ અને હરિયાળીઓ દર્શાવવામાં આવતાં ભારતીય પ્રવાસીઓ માટે તે સપનાનું સ્થળ બની ગયું છે. આ પ્રભાવ એટલો મજબૂત હતો કે આલ્પેનરોશમાં સ્વીસ શહેરમાં સરોવરને ચોપરા લેક નામ અપાયું છે,જે સ્વીસ પર્યટનમાં ડાયરેક્ટરના યોગદાનની સરાહના છે.
આ જ રીતે ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ ફિલ્મની રિલીઝ સાથે સ્પેન પણ બોલીવૂડનું લોકપ્રિય સ્થળ તરીકે ઊભરી આવ્યું. આ ફિલ્મમાં મિત્રોનો સમૂહ સ્પેનમાં રોડ ટ્રિપ પર નીકળી પડે છે, જેમાં ભારતીય દર્શકોને આ દેશની સ્વર્ણિમ સંસ્કૃતિ, ઐતિહાસિક શિલ્પો અને રોમાંચક ટોમેટિના મહોત્સવનો પરિચય કરાવવામાં આવે છે. બાર્સેલોના, કોસ્ટા બ્રાવા અને સેવિલ જેવાં સ્થળોનું નૈસર્ગિક સૌંદર્ય સાથે સ્થાનિક વિધિઓ અને મહોત્સવોના પ્રદર્શને ઘણા બધા ભારતીય પ્રવાસીઓને પાત્રોને પગલે ચાલવા પ્રેરિત કર્યા હોવાથી ફિલ્મમાં દર્શાવવામાં આવેલાં ક્ષેત્રોમાં પર્યટનમાં વધારો થયો છે. ઈટાલીનું રોમેન્ટિક વાતાવરણ અને ઐતિહાસિક શિલ્પોએ પણ અનેક અવસરોએ બોલીવૂડનું ધ્યાન ખેંચ્યું છે. દેશનાં નયનરમ્ય શહેરો અને નગરો, જેમ કે, વેનિસ અને વેરોના અનેક પ્રેમકથાઓ માટે પાર્શ્ર્વભૂ બન્યાં છે. નોંધપાત્ર રીતે ‘રોકસ્ટાર’ માં પ્રેમ અને રોમાન્સનું પ્રતિક જુલિયેટની બાલ્કની જ્યાં આવેલી છે તે વેરોનાના ઐતિહાસિક શહેરમાં શૂટ કરાયેલાં દ્રશ્યો છે.
બોલીવૂડ માટે પાર્શ્ર્વભૂ તરીકે કામ કરનારાં વૈશ્ર્વિક સ્થળોની મોહિની યુરોપ પૂરતી મર્યાદિત નથી. નોર્થ અમેરિકા તેની વિપુલ ક્ષિતિજો, પ્રતિકાત્મક શહેરો અને વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિઓ સાથે બોલીવૂડની વાર્તાકથનની મહત્ત્વાકાંક્ષા માટે પાર્શ્ર્વભૂનો ભંડાર પ્રદાન કરે છે. ન્યૂ યોર્ક શહેરનાં શહેરી જંગલોથી લઈને કેનેડિયન રોકીઝની નયનરમ્ય ક્ષિતિજો સુધી બોલીવૂડે તેની વાર્તામાં ઊંડાણ અને ભવ્યતા ઉમેરવા માટે આ પાર્શ્ર્વભૂનો ઉપયોગ કર્યો છે.હવે આ બોલીવૂડની ફિલ્મોમાં કઈ રીતે ચમક્યા તે જાણીએ.
કેનેડાનું અદભુત નૈસર્ગિક સૌંદર્ય અને પચરંગી શહેરોએ વર્ષોથી બોલીવૂડના ફિલ્મકારોનું ધ્યાન ખેંચ્યું છે. અદભુત ખડકો, હરિયાળાં જંગલો અને આધુનિક શહેરો સહિત દેશની નયનરમ્ય ખૂબીઓનો પોતાને અને કાલ્પનિક અથવા અન્ય અસલ દુનિયાનાં સ્થળોને આલેખિત કરવા માટે ઉપયોગ કરાયો છે. ‘નીલ એન નિક્કી’ અને ‘થેન્ક યુ’ જેવી ફિલ્મો ખાસ કેનેડામાં શૂટ કરાઈ હતી, જેમાં દેશની વૈવિધ્યપૂર્ણ ક્ષિતિજો અને બહુસંસ્કૃતિ શહેરી પાર્શ્ર્વભૂ પ્રદર્શિત કરવામાં આવી છે. ટોરોંટો, વાનકુવર અને આલ્બર્ટામાં બેન્ફનું નયનરમ્ય શહેર ખાસ શૂટિંગ માટે લોકપ્રિય સ્થળ તરીકે ઊભરી આવ્યું છે, જે ફિલ્મ નિર્માણ માટે બહુમુખી અને આવકાર્ય સ્થળ તરીકે કેનેડાના આકર્ષણને આલેખિત કરે છે.
ધ યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા બોલીવૂડની ફિલ્મો માટે લોકપ્રિય પાર્શ્ર્વભૂ રહ્યું છે, જે સપનાં, મહત્ત્વાકાંક્ષા અને ભારતીયોના અનુભવની ખૂબીઓનું પ્રતિક છે. ન્યૂ યોર્ક, લોસ એન્જલસ અને લાસ વેગાસ જેવાં પ્રતિકાત્મક શહેરો અનેક ફિલ્મોમાં જોવા મળ્યાં છે, જે અમેરિકાની જીવનશૈલી અને સીમાચિહનોમાં ડોકિયું કરાવે છે. ‘માય નેમ ઈઝ ખાન’ માં તેના મુખ્ય પાત્રને દેશમાં પ્રવાસ કરતો બતાવવામાં આવ્યો છે, જેમાં વૈવિધ્યપૂર્ણ અમેરિકન ક્ષિતિજો અને સામાજિક રેસા પ્રદર્શિત થાય છે. આ જ રીતે ‘કલ હો ના હો’ ન્યૂ યોર્કની શહેરની ગલીઓમાં શૂટ કરાઈ હતી, જે ધમધમતા મહાનગર અને તેની ઉત્તમ સંસ્કૃતિઓની ખૂબીઓને મઢી લે છે, જ્યારે ‘દોસ્તાના’ ફિલ્મમાં મિયામીના સની બીચ અને સ્વર્ણિમ જીવન પ્રસ્તુત કરાયા હતા, જે શહેરનો જીવંત જોશ અને નયનરમ્ય સૌંદર્ય દર્શાવે છે.
હવે દક્ષિણીય ગોળાર્ધમાં જઈએ તો ઓસ્ટ્રેલિયાનું બોલીવૂડને આકર્ષણ બહુમુખી રહ્યું છે, જેમાં ધમધમતાં શહેરો, નિર્મળ બીચ અને સુંદર ઈન્ટીરિયરનો સમાવેશ થાય છે. ‘સલામ નમસ્તે’ અને ‘ચક દે! ઈન્ડિયા’ જેવી ફિલ્મોમાં મેલ્બર્નની સાંસ્કૃતિક વૈવિધ્યતાથી ક્વીન્સલેન્ડના નિસર્ગરમ્ય સૌંદર્ય સુધી દેશનાં અલગ અલગ પાસાં દર્શાવવામાં આવ્યાં છે. મેલ્બર્નની પાર્શ્ર્વભૂૂ સાથે "સલામ નમસ્તેએ ઓસ્ટ્રેલિયાના દ્વિતીય સૌથી વિશાળ શહેરની પાર્શ્ર્વભૂ સામે પ્રેમ અને જીવનની થીમોને ખોજ કરતાં શહેરની આધુનિક જીવનશૈલી અને બહુસંસ્કૃતિની લહેરો આલેખિત કરી છે. દરમિયાન ‘ચક દે! ઈન્ડિયા’ માં સિડનીમાં સીન્સ શૂટ કરાયાં હતાં, જે શહેરનાં પ્રતિકાત્મક સીમાચિહનો અને આંતરરાષ્ટ્રીય સ્પોર્ટસમેનશિપનો જોશ મઢી લે છે.
શૂટિંગ સ્થળ તરીકે ઓસ્ટ્રેલિયાની પસંદગી બહુહેતુક કામ કરે છે, જેમ કે, દર્શકોને આકર્ષે તેવાં અદભુત દ્રશ્યો અને આ જગ્યામાં રહેલી અતુલનીય બાબતોની ખોજ કરી શકાય છે. દેશનું વૈવિધ્યપૂર્ણ પર્યાવરણ, સિડની અને મેલ્બર્ન જેવાં શહેરી કેન્દ્રોથી લઈને ગ્રેટ બેરિયર રીફ અને આઉટબેક જેવી નૈસર્ગિક અજાયબીઓ સુધી ફિલ્મકારોને રોચક વાર્તા ઘડવા માટે સમૃદ્ધ સ્થળ પૂરું પાડે છે.
થાઈલેન્ડ પણ બોલીવૂડના ફિલ્મકારો માટે આકર્ષણરૂપ છે, જે શહેરી આધુનિકતા સાથે નયનરમ્ય પાર્શ્ર્વભૂ પૂરી પાડે છે. તેના નિર્મળ બીચ, હરિયાળાં જંગલો અને શહેરનું સ્વર્ણિમ જીવન સાહસ અને શાંતિનું ઉત્તમ સંમિશ્રણ પૂરું પાડે છે. ‘રેડી’ અને ‘બાઘી’ જેવી ફિલ્મો બેન્ગકોકની ધમધમતી ગલીઓ અને ક્રાબીના નયનરમ્ય ટાપુ સહિત થાઈલેન્ડમાં વિવિધ સ્થળે શૂટ કરાઈ હતી. આ દેશના નૈસર્ગિક સૌંદર્ય સાથે સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો દિલધડક એકશન દ્રશ્યોથી લઈને રોમેન્ટિક વાતાવરણ સુધી વાર્તા માટે બહુમુખી પાર્શ્ર્વભૂ પૂરી પાડે છે.
હવે આપણે યુએઈને કઈ રીતે ભૂલી શકીએ? યુનાઈટેડ આરબ અમીરાત ખાસ કરીને દુબઈ બોલીવૂડની ફિલ્મોમાં આધુનિકતા અને લક્ઝરીનું પ્રતિક તરીકે ઊભરી આવ્યું છે. તેની પ્રતિકાત્મક આકાશરેખામાં બુર્જ ખલીફા અને પામ જુમાયરાહ ઘણી બધી ફિલ્મો માટે પાર્શ્ર્વભૂ બન્યાં છે, જે પ્રદેશ સાથે મોટે ભાગે સંકળાયેલી આકાંક્ષા અને મનોહરતા પ્રદર્શિત કરે છે. ‘હેપ્પી ન્યૂ યર’ અને ‘વેલ્કમ બેક’ જેવી ફિલ્મોએ દુબઈની આલીશાન જીવનશૈલી, શિલ્પશાસ્ત્રની અજાયબીઓ અને શહેરની પચરંગી ખૂબીઓને દર્શાવી છે. યુએઈનું અત્યાધુનિક વિકાસ સાથે પારંપરિક આરબ સંસ્કૃતિનું સંમિશ્રણ ભૂતકાળ અને ભવિષ્યનું અંતર દૂર કરતી વાર્તાઓ માટે અજોડ પાર્શ્ર્વભૂ પ્રદાન કરે છે.
હું દુનિયાભરનાં બોલીવૂડનાં મનગમતાં શૂટિંગ સ્થળોની સેર તમને કરાવી રહ્યો છું ત્યારે મને અંતર અને સંસ્કૃતિ વચ્ચે સેતુ બનાવતી ફિલ્મની શક્તિની યાદ આવે છે. મેં ઉલ્લેખ કરેલી દરેક ફિલ્મે આપણું મનોરંજન કરવા સાથે આ સ્થળો જોવા, મારાં મનગમતાં પાત્રોની આંખે દુનિયા જોવા આપણી અંદર ઉત્સુકતા પણ જગાવી છે. આ પ્રતિષ્ઠિત સ્થાનો, શાંત સ્વિસ આલ્પ્સથીલઈને દુબઈની ખળભળાટવાળી શેરીઓ સુધી ફિલ્મમાં પાર્શ્ર્વભૂથી પણ વિશેષ બની ગયાં છે. તે નવી સંસ્કૃતિઓ, ક્ષિતિજો અને વાર્તાઓ અનુભવવા માટે આમંત્રિત કરે છે. આપણે બોલીવૂડના લેન્સ થકી ઘેરબેઠાં વૈશ્ર્વિક સાહસ પર નીકળી પડીએ છીએ, ફિલ્મનિર્માણની કળા અને આપણી દુનિયાના સૌંદર્યની ઊંડા સરાહના તેણે વિકસાવી છે. મને દેખીતી રીતે જ બોલીવૂડ હવે પછી ક્યાં લઈ જશે તે જોવાની ઉત્સુકતા છે. તે આપણા માટે ધરતીની વિપુલ, સ્વર્ણિમ ક્ષિતિજની બારીઓ ખોલે છે તે માટે હું સદા આભારી રહીશ. તમારી પર છેલ્લે પ્રવાસની છાપ છોડી ચૂકેલી કઈ બોલીવૂડની ફિલ્મો તમને યાદ આવે છે? શું હું કોઈ ફિલ્મ ચૂકી ગયો છું? મને neil@veenaworld.com પર લખીને જણાવો. તો ફરી મળીશું ત્યાં સુધી જીવનની ઉજવણી કરતા રહો!
નો દ અનનોન
અમેઝિંગ ફેક્ટ્સ અરાઉન્ડ ધ વર્લ્ડ
#KnowTheUnknown Podcast by Neil Patil
પસિફિક સમુદ્રમાં છસ્સો ટાપુઓથી બનેલો ન્યૂ ઝીલેન્ડ દેશ દુનિયાનો સૌથી યુવાન દેશ માનવામાં આવે છે, કારણ કે આ દેશ પર મનુષ્ય વસતિની શરૂઆત જ મૂળ ઈસવી સન 1300માં થઈ હતી. ન્યૂ ઝીલેન્ડમાં આશરે 750 વર્ષ પૂર્વે પોલિનેશિયામાંથી અમુક લોકો આવ્યા અને આ ભૂમિ પર માનવીનું પ્રથમ પગલું પડ્યું. આ જ લોકો હવે ‘માઓરી જમાતીના’ લોકો તરીકે ઓળખવામાં આવે છે. આ પછી 1840માં બ્રિટિશોએ આ ટાપુ પર કબજો મેળવ્યો. ‘ટ્રીટી ઓફ વાયટાંગી’ નામે ઓળખવામાં આવતા કરારને લીધે માઓરી અને બ્રિટિશ વચ્ચે આ ભૂમિ એકત્ર મળીને, હળીમળીને વાપરવાની સમજૂતી થઈ. આ દેશને યુરોપિયન લોકોએ ‘નોવ્હા ઝીલેંડિયા’ નામ રાખ્યું હતું. આ ડચ નામનું અંગ્રેજી રૂપ એટલે ‘ન્યૂ ઝીલેન્ડ.’ માઓરી લોકોએ આ દેશને તેમની માઓરી ભાષામાં ‘આઓટિરૌ’ નામ આપ્યું હતું. આ લોકોની ભાષામાં ‘માઓરી’નો અર્થ ‘સાધારણ’ અથવા ‘નોર્મલ’ લોકો એવો થાય છે. માઓરી લોકોને લેખનની કળા અવગત નહોતી. તેમની સર્વ પરંપરા મૌખિક છે.
માઓરી લોકોમાં એકબીજાને મળ્યા પછી અભિવાદન કરવાની પદ્ધતિ એકદમ અનોખી છે. તેઓ શેક હેન્ડ કરતા નથી કે નમસ્કાર પણ કરતા નથી, પરંતુ નજીક આવીને એકબીજાના કપાળ અને નાક એકબીજાને ભિડાવે છે. આ રીતે નાકને નાક ભિડાવવાથી ‘એકબીજાના જીવનનો શ્ર્વાસ જ’ જાણે વહેંચી લેવાય છે અને આવી વ્યક્તિઓની જન્મભરની મૈત્રી નિર્માણ થાય છે એવી તેમની ધારણા છે. માઓરી લોકોમાં ચહેરા પર અલગ અલગ ટેટ્ટૂ કાઢવાનું વિશેષ મહત્ત્વ છે. ટેટ્ટૂથી ચહેરો રંગવાને તેઓ ‘ટા મોકો’ કહે છે. ટેટ્ટૂ કરવા પાછળ તેમનો ફક્ત સજવાનો ઉદ્દેશ નથી હોતો, પરંતુ આ ટેટ્ટૂ પરથી જે તે વ્યક્તિના સમાજનું, ટોળકીનું સ્થાન જાણવા મળે છે. દરેક માઓરી વ્યક્તિના ટહેરા પરનું ટેટ્ટૂ તેથી જ અલગ હોય છે. આ ટેટ્ટૂ કાઢવા માટે શાર્ક માછલીના દાંત વાપરવાની પરંપરા છે. માઓરી લોકોની પારંપરિક પુરાણકથા અનુસાર ‘રાંગી’ એટલે ‘આકાશ પિતા’ અને ‘પાપા’ એટલે કે ભૂમિ માતાનાં લગ્ન થયાં અને તેમાંથી આ વિશ્ર્વની ઉત્પત્તિ થઈ. માઓરી લોકો કળામાં નિપુણ છે. ‘વૈઅટા’ (ગીત), ‘હાકા’ (નૃત્ય) અને ‘મોટિટી’ (કવિતા)માંથી તેમણે પોતાનો ઈતિહાસ અને પારંપરિક જ્ઞાનનું જતન કર્યું છે. સમૂહમાં રહેતા માઓરી લોકો જમવાનું બનાવતી વખતે પણ એકત્ર આવે છે. તેમની પારંપરિક જમવાનું બનાવવાની પદ્ધતિને ‘હાંગી’ કહેવાય છે. હાંગીમાં ચિકન, માછલી, બકરું, શાકભાજી એમ બધું એકત્ર કરીને જમીનમાં દાટવામાં આવે છે અને ઉપર આગ પ્રગટાવીને તેના તાપ પર ખાવાનું પકવવામાં આવે છે. ખાવાનું રાંધવામાં વાર લાગતી હોવાથી સ્વાભાવિક રીતે જ ભેગા થયેલા લોકોગપ્પાંગોષ્ઠિ, ગીતો-વાતો કરતા રહે છે. માર્ચથી ડિસેમ્બર સમયગાળામાં વીણા વર્લ્ડની ન્યૂ ઝીલેન્ડ ટુરમાં સહભાગી થઈને માઓરીનીઅનોખી સંસ્કૃતિનાં દર્શન કરવાની તક ગુમાવશો નહીં.






































Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.