Gujarati Language

સમર ઈન નેપાળ

સમર વેકેશનમાં ચોક્કસ ક્યાં જવું જોઈએ? આ પ્રશ્ર્નના ઉત્તર તરીકે અમે અમારા પર્યટકો માટે હિમાલય પર માલિકીનો દાવો કરતાં દેશની એક અનોખી સહેલગાહ-કાઠમંડુ પોખરા ચિતવન લઈને આવ્યાં છીએ. સમર વેકેશનમાં ફેમિલી સંગાથે પર્યટન કરનારા પર્યટકો માટે એક અફલાતૂન હોલીડે

માર્ચ અડધોઅડધ પૂરો થઈ ગયો અને ઉનાળો શરૂ થયાના ચટકા બધાનેે જ લાગી રહ્યા છે. અમે વીણા વર્લ્ડના પર્યટન વિશ્ર્વમાં તમારા માટે ખાસ ઉનાળાનું ટાણું ધ્યાનમાં રાખીને ઠંડા ઠંડા હવામાનની ખુશી આપનારી અને ઉનાળાની રજાઓનો સદુપયોગ કરાવનારી હિમાલય સ્પેશિયલ સહેલગાહ લાવ્યાં છીએ. ‘હિમાલય કી ગોદ’માં વચ્ચે જ ઊભેલો અને આખી દુનિયાનું ધ્યાન ખેંચનારો આપણો પાડોશી દેશ નેપાળની આ વાત છે. ભારતના પૂર્વ બાજુ વસેલા નેપાળનો ઘણો બધો ભાગ ડુંગરાળ છે અને આ પર્વતમાળા હિમાલયની હોવાથી તે આખું વર્ષ બરફાચ્છાદિત હોય છે. સ્વાભાવિક રીતે જ નેપાળનું હવામાન એપ્રિલ-મે મહિનામાં પણ આહલાદક હોય છે. દુનિયાનું સર્વોચ્ચ શિખર માઉન્ટ એવરેસ્ટ, નેપાળી ભાષામાં ‘સાગરમાથા’ નેપાળમાં છે. આ સાથે દુનિયાનાં સર્વોચ્ચ દસ શિખરોમાંથી આઠ નેપાળમાં જ છે. ભારત પાસેથી હિંદુ ધર્મપરંપરા લઈને પોતાની સંસ્કૃતિમાં સમાવતા નેપાળને ગોરખાઓના પરાક્રમનો, વીરતાનો ઈતિહાસ લાભ્યો છે. નેપાળની ઐતિહાસિક વાસ્તુ, શહેરો અને મનમોહક નિસર્ગ આપણને બોલીવૂડની ફિલ્મો થકી પરિચિત થયાં છે. દેવ આનંદની ‘હરે રામા હરે કૃષ્ણા, અમિતાભની ‘મહાન’ અને ‘ખુદાગવાહ’, અનિલ કપૂરની ‘ઘરવાલી બહારવાલી’, અક્ષય કુમારની ‘બેબી’ જેવી ફિલ્મોમાંથી આપણે નેપાળનાં દર્શન કર્યાં છે.

વીણા વર્લ્ડ પાસે નેપાળ માટે ‘નેપાળ પોખરા ચિતવન’ આઠ દિવસ સાત રાતની મસ્ત સહેલગાહ છે. આ સહેલગાહ માટે મુંબઈથી મુંબઈ સાથે પુણેથી પુણે વિકલ્પ પણ રાખ્યો છે. આ સહેલગાહનો આરંભ આપણે નેપાળની રાજધાની અને ઐતિહાસિક શહેર કાઠમંડુથી કરીએ છીએ. બીજા દિવસે આપણે કાઠમંડુથી પ્રસ્થાન કરીને નેપાળના ખીણ ભાગમાં ‘ચિતવન નેશનલ પાર્ક’માં આવીએ છીએ. આજે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટ્સમાં સમાવિષ્ટ કરવામાં આવેલા આ જંગલની મુખ્ય વિશિષ્ટતા દુર્લભ થઈ રહેલા ઘેરિયલ મગર, જોખમમાં આવેલી એક શિંગડાવાળા ગેંડા અને સંરક્ષણની જરૂર ધરાવતા પટાવાળા વાઘ છે. આ સાથે અહીં જંગલમાં કુલ છપ્પન પ્રકારનાં મેમલ્સ જોવા મળે છે, જેમાં હાથીઓ, દીપડા, સ્લોથ બેર્સ, ગોલ્ડન જેકોલ, હોગ ડિયરનો સમાવેશ થાય છે. ચિતવન નેશનલ પાર્કમાં પક્ષીઓની 543 જાતિ જોવા મળે છે. અર્થાત, આ બધાં પશુપક્ષીઓ આ જંગલમાં સ્વતંત્ર રીતે ફરતાં હોવાથી ક્યારે દેખાશે, કેવાં દેખાશે તેની ખાતરી કોઈ આપી શકે નહીં. આપણે ચિતવનના નિસર્ગરમ્ય વિસ્તારમાં બે રાત મુકામ કરીએ છીએ અને શાંતિથી અહીંના નિસર્ગનો આનંદ લઈએ છીએ. આપણે આ ગાઢ અરણ્યમાં જંગલ વોક કરીએ છીએ અને પક્ષીઓના અનોખા અવાજ સાંભળીએ છીએ, પગમાર્ગ પર જનાવરોના પગમાર્ક જોતાં જોતાં, ઘાસ પર ઊડતાં પતંગિયાંનો પીછો કરતાં કરતાં ફોેરેસ્ટ ગાઈડને મુખે જંગલ સ્ટોરીઝ સાંભળીએ છીએ ત્યારે આપણા રોજના શહેરી જીવનમાં શું મિસ કરીએ છીએ તેનો ખ્યાલ આવે છે. આ પછી હાથીની પીઠ પર સવાર થઈને જંગલમાં રાજાશાહી ઠાઠમાઠમાં ફરવાનો અનુભવ આપણી સહેલગાહને અલગ જ રુઆબ પ્રાપ્ત કરી આપે છે. અહીં નારાયણી નદીમાં સ્થાનિક કનુ હોડીઓમાંથી જળવિહાર કરવાનો અનુભવ એકદમ રોમાંચક નીવડે છે, કારણ કે આ નદીમાં મગરો છે અને આપણા જળવિહારમાં અમુક વાર નદીને કાંઠે આરામ કરતાં પોઢેલા મગર એકદમ નજીકથી જોવાનો મોકો પણ મળે છે.

ચિતવનથી પોખરા તરફ જતી વખતે નેપાળમાં અન્નપૂર્ણા હારમાળામાં ઊંચા માઉન્ટ ફિશટેલનું નયનરમ્ય દર્શન થાય છે. 22,943 ફૂટ ઊંચા આ શિખરને નેપાળી લોકો શંકરનું સ્થાન માને છે અને તેથી ફિશટેલના શિખર પર ચઢાઈ કરવાની મનાઈ છે. હિમશિખરોની પર્વતમાળામાં, લીલાછમ્મ સાજ લેપીને વસેલું પોખરા નેપાળમાં આકારમાં બીજા ક્રમનું મોટું શહેર છે. અન્નપૂર્ણા હારમાળાના હિમશિખરોનું બેકડ્રોપ લાભેલું પોખરા પર્યટકોને શુદ્ધ હવા, આહલાદક વાતાવરણ અને આંખોને સુખ આપતા નિસર્ગથી ખુશ કરે છે. પોખરાની મુલાકાત લીધા પછી અચૂક જોવા જેવો પાણીનો ધોધ ‘ડેવિસ ફોલ’ છે. ફેવા લેકના ડેમનાં પાણી તબક્કાવાર નીચે વહીને આ ધોધ તૈયાર થયો છે. આ ધોધના પ્રવાહથી જમીનની નીચે એક બોગદું તૈયાર થયું છે. આ ધોધની નજીક ગુપ્તેશ્ર્વર મહાદેવ છે. નામ પ્રમાણે આ મહાદેવ-શંકર અનેક વર્ષ જમીનમાં ગુપ્ત હતા, હવે તેમની ગુફાના મંદિરના દર્શન લઈ શકાય છે. પોખરામાં આપણા મુકામ દરમિયાન આપણે નેપાળના આકારમાં બીજા સૌથી મોટા સરોવરમાં – ફેવા લેક જળસફર કરીએ છીએ. આ તળાવના બેટ પરના તાલ બરાઈ મંદિરને પણ આપણે મુલાકાત લઈએ છીએ. હિમાલયના ખભે વસેલા અને દુનિયાના અનેક ઊંચાં શિખરોના ઠાઠમાઠ છાંટતા નેપાળમાં આ પર્વતો બાબતનું, પર્વતારોહકોના દસ્તાવેજનું જતન કરનાર અને માઉન્ટેનિયર્સનું વિશ્ર્વ ખોલીને બતાવતું મ્યુઝિયમ પોખરાનું ઈન્ટરનેશનલ માઉન્ટન મ્યુઝિયમ છે.

આપણી સહેલગાહના છઠ્ઠા દિવસે આપણે પોખરાથી વિમાન દ્વારા કાઠમંડુમાં પાછાં આવીએ છીએ. 4600 ફૂટ પરના આ રાજધાની શહેરનો બે હજાર વર્ષ જૂનો ઈતિહાસ છે. તે સંપન્ન વારસાનાં ધ્યાનાકર્ષક દર્શન અહીંના દરબાર સ્ક્વેરમાં થાય છે. આ ચોકમાં કાંતિપુર, ભક્તપુર, લલિતપુર અને કીર્તિપુર એમ ચાર રાજની હેરિટેજ વાસ્તુઓનું જતન કરવામાં આવ્યું છે. આ જ ચોકમાં શહેરને નામ આપનારું કાષ્ટમંડપમ મંદિર છે. કાઠમંડુ શહેરના પશ્ર્ચિમ ભાગમાં ‘સ્વયંભૂનાથ સ્તુપ’ છે. આજે નેપાળમાં અને તિબેટમાં બૌદ્ધધર્મીઓ માટે અત્યંત પવિત્ર આ સ્તુપ પર ભગવાન બુદ્ધની આંખો રંગવામાં આવી છે અને આ સ્તુપના આકારથી રચના સુધી દરેક બાબતમાં ધાર્મિક પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભારતમાંથી નેપાળમાં આવતા દરેક પર્યટકોને કાઠમંડુના પશુપતિનાથનાં દર્શન અચૂક કરવાનાં હોય છે. ઈસવી સન 400થી અસ્તિત્વમાં આવેલા આ સ્થાનની, એટલે કે, પશુપતિનાથની ઉત્પત્તિ બાબતે અલગ અલગ કથાઓ કહેવામાં આવે છે. નેપાળ પેગોડા શૈલીમાં બાંધેલા આ મંદિરનાં ચાર પ્રવેશદ્વાર ચાંદીથી મઢેલાં છે. આ મંદિરનો કળશ સોનાનો છે અને ગર્ભગૃહમાં શિવલિંગ આશરે દસ ફૂટ ઊંચું છે. કાઠમંડુમાં અચૂક મુલાકાત લેવા જેવું મંદિર ‘બુઢા નીલકંઠ મંદિર’ છે. આ ખુલ્લા મંદિરમાં શેષ પર પોઢેલા શ્રીવિષ્ણુની પ્રતિમા જોવા મળે છે. લિચ્છવી રાજમાં 17મી સદીમાં આ મૂર્તિ કાઠમંડુમાં સ્થાપન કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. કાઠમંડુની નજીક ભક્તપુર શહેર 15મી સદીમાં મલ્લા રાજઘરાણાની રાજધાની હતું. આ રાજવૈભવના નિશાન અહીંના દરબાર ચોકની વાસ્તુના રૂપમાં આજે પણ જોવા મળે છે. આ ચોકમાં 55 બારીઓવાળો રાજમહેલ છે. આ જ રીતે સમ્રાટ ભૂપતિંદ્રમલ્લાનું સુંદર પૂતળું અને શિલ્પોથી સજાવેલો ગોલ્ડન ગેટ આ ચોકનાં મુખ્ય આકર્ષણ માનવામાં આવે છે.

તો પર્યટકો, ઉનાળાની રજામાં પસીનાથી રેબઝેબ થવા કરતાં ચાલો હિમાલયની ઠંડક અનુભવવા વીણા વર્લ્ડ સંગાથે નેપાળમાં. આપણી પાડોશની અને આપણી સંસ્કૃતિ સાથે એકરૂપ થયેલા નેપાળની મહેમાનગતી તમારી રજાઓની રંગત ચોક્કસ વધારશે. અનુપમ નિસર્ગસૌંદર્ય, મન પ્રસન્ન કરનારૂ વાતાવરણ, ઐતિહાસિક કલાત્મક વાસ્તુથી સમૃદ્ધ નેપાળ તમારૂ સ્વાગત કરવા માટે સજ્જ છે. તો ચાલો, બેગ ભરો, નીકળી પડો!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

*