Gujarati Language

ફિટનેસ ફંડા

“એન્ડ સો, માય ફેલો અમેરિક્ધસ: આસ્ક નોટ વ્હોટ યોર ક્ધટ્રી કેન ડુ ફોર યુ-આસ્ક વ્હોટ યુ કેન ડુ ફોર યોર ક્ધટ્રી… અમેરિકાના પાંત્રીસમા પ્રેસિડેન્ટ જોન એફ કેનેડીના પ્રથમ પ્રમુખીય ભાષણનું આ સુપ્રસિદ્ધ વાક્ય દુનિયાના દરેક માટે પ્રેરણાદાયક નીવડ્યું અને અનંતકાળ તે રહેશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. આ જ આધાર પર કહેવાનું મન થાય છે…

આજકાલ લગભગ દર મહિને સ્વિટ્ઝર્લેન્ડમાં મને જવાનું થાય છે. ક્યારેક વુમન્સ સ્પેશિયલ યુરોપમાં ગયેલી ચાર્મિંગ બ્યુટિફુલ ગર્લ્સને મળવા તો ક્યારેક સિનિયર્સ સ્પેશિયલ યુરોપ સહેલગાહમાં ગયેલા યંગ એન્ડ એનર્જેટિક વરિષ્ઠ નાગરિકો સાથે સંવાદ સાધવા. જૂન મહિનામાં ચારસો સિનિયર સિટીઝનની દસ સિનિયર્સ સ્પેશિયલ સહેલગાહ ચાલુ હતી. એકદમ સહજતાથી. અર્થાત, તેનું શ્રેય અમારા સેવાભાવી, તત્પર અને હરહુન્નરી ટુર મેનેજર્સ અને તેમના બેકઅપ માટે કામ કરતી વીણા વર્લ્ડની ઓફિસ ટીમને જાય છે. યુરોપ ટુર્સના આ બધા વરિષ્ઠ નાગરિકોને બે બેચીસમાં બે દિવસ સ્વિટ્ઝર્લેન્ડમાં ગાલા ઈવનિંગમાં મળી ત્યારે દરેક સહેલગાહમાં તેઓ અમારી સહેલગાહ કેવી મસ્ત ચાલી રહી છે, અમારા ટુર મેનેજર્સ કઈ રીતે ઉત્કૃષ્ટ છે તેનું વર્ણન કરતા હતા, તેમને આશીર્વાદ આપતા હતા. મને નિશ્ચિત જ અમારી ટીમ વિશે ગર્વ મહેસૂસ થતું હતું. આ અનુભવ ખરેખર તો મને દર મહિને દુનિયાના અથવા ભારતના ખૂણેખાંચરે જ્યાં જ્યાં સિનિયર્સ સ્પેશિયલની સહેલગાહ ચાલુ હોય છે તે બધી સહેલગાહમાં આવતો હોય છે. આ સહેલગાહનું નામ અમે ‘આશીર્વાદ સ્પેશિયલ’ રાખ્યું છે, કારણ કે ખરેખર આ સહેલગાહમાં વરિષ્ઠો પાસેથી આશીર્વાદની ખેરાત અમને મળે છે, જે અમારા માટે સૌથી મોટી એનર્જી હોય છે. કોઈ પણ વ્યવસાયમાં ગ્રાહકોના આશીર્વાદ મળવા તે બહુ મહત્ત્વની બાબત હોય છે. અને તે સતત આપણી પડખે હોવા જ જોઈએ તે દૃષ્ટિથી અમારા બધાના પ્રયાસો ચાલુ હોય છે. તો આવી આ સિનિયર્સ સ્પેશિયલની સહેલગાહ સાથે મારો પ્રવાસ ગયાં બાર વર્ષ અખંડ ચાલુ છે. ત્રણ-ચાર દિવસની શોર્ટ ટુર્સમાં અથવા જે સહેલગાહમાં ઈવેન્ટ ઓર્ગેનાઈઝ કરવાનો સમય હોતો નથી તેવાં સ્થળે મારું જવાનું થતું નથી પણ આજકાલ આ બધા વરિષ્ઠ નાગરિકો વર્ષમાં કમસેકમ બે અથવા ત્રણ સિનિયર્સ સ્પેશિયલ સહેલગાહ કરે છે, જેથી ક્યાંક ને ક્યાંક એકાદ સહેલગાહમાં તેમની મુલાકાત થઈ જાય છે. આમાં મારો ફાયદો એ છે કે મારી એનર્જી તે સહેલગાહનો આનંદિત માહોલ જોઈને વધી જાય છે.

‘સહેલગાહ જેવી સહેલગાહ તેમાં શું નવાઈ?’ એવું તમે કહેશો. તમારી વાત સાચી છે, ઉપરછલ્લું જોતાં આ એક સહેલગાહ જેવી સહેલગાહ છે પણ તે છતાં અનોખી છે. આ સહેલગાહમાં આવેલાં છોકરા-છોકરીઓની ઉંમર સામાન્ય રીતે 55થી 85 દરમિયાન હોય છે. ઉંમરને લઈ આવેલા ‘વેર એન્ડ ટેઅર’ને લીધે જે કાંઈક નાની શારીરિક ફરિયાદો હોય છે તે આ સહેલગાહમાં એકદમ અલોપ થઈ જાય છે. અરે, ઘરે આ ફરિયાદોને પંપાળવા માટે સમય મળે છે તે અમે અહીં આપતાં જ નથી. ‘નાની શારીરિક ફરિયાદો વિસ્મરણ થવી તે જ મોટો ઈલાજ આ સો કોલ્ડ બીમારીઓનો છે.’ અને આ મારો મત છે અથવા ફિલોસોફી નથી, પરંતુ કેટલાય વરિષ્ઠ નાગરિકો આવીને કહે છે, ‘અરે વીણા, અમારા પગ ઘરે દુખતા હતા, પરંતુ અહીં આટલા દિવસોમાં કશું પણ થયું નહીં,’ ‘કમરદર્દ દવા વિના જ ક્યાંય ગાયબ થઈ ગયું ખબર જ નહીં પડી,’ ‘અમને દસ વર્ષથી નાના કરી દીધા તમે,’ ‘જીવનમાં પહેલી વાર ફેશન શોમાં ભાગ લીધો,’ ‘મારા પતિએ તો પહેલી વાર ડાન્સ કર્યો,’ ‘તમને ખબર છે કે મારી પત્ની જીવનભર સાડીમાં ફરતી રહી પરંતુ આ વખતે દીકરીએ આગ્રહ કર્યો અને તેણે પહેલી વાર સ્કર્ટ-ટોપ અને જીન્સ પહેરવાનું સાહસ કર્યું.’ ખુશીની રેલમછેલ જોવી હોય તો આ સહેલગાહના એકંદર માહોલનો અનુભવ એક વાર લેવા જેવો છે. હાલમાં આ સહેલગાહમાં ગુજરાતથી આવેલાં એક દાદીએ હાથમાં લાકડી લઈને એવો રેમ્પવોક કર્યો કે તાળીઓના ગડગડાટથી હોલ ધમધમી ઊઠ્યો. હાથમાં લાકડી હોય કે કેડ વાંકી વળી ગઈ હોય. અહીં દરેક જણ પોતાનો રાજા અથવા રાણી હોય છે. ‘હું મારો રાજા’ અથવા ‘હું જ મારી રાણી’ આ રૂઆબ તેમની અંદર તે દિવસે સંચાર થયેલો જોવા મળે છે. યુરોપ અથવા અમેરિકા અથવા ઓસ્ટ્રેલિયા જેવી સિનિયર્સની સહેલગાહ એટલે સર્વ અર્થમાં ફિટનેસ ટેસ્ટ હોય છે. એક વાર આ સહેલગાહ કરાય એટલે ‘યુ આર ફિટ એન્ડ ફાઈન’ અદૃશ્ય સર્ટિફિકેટ મળવા જેવું હોય છે. આપણે તે કરી શકીએ અથવા ‘તમને તે ફાવશે નહીં’ એવું જેમને લાગતું હોય તેવા આપણા આપ્તજનોને આપણે બતાવી દીધેલું હોય છે કે

‘અભી તો મૈ જવાન હૂં.’ સિનિયર્સ સ્પેશિયલ સહેલગાહ ફિટનેસ ફંડા છે એવું મારું કહેવું આનું જ નિમિત્ત છે.

આપણે પણ આપણી ઉંમરનો ગર્વ રાખવો જોઈએ. પછી તે પંચાવન હોય કે પંચાશી. અરે,અહીં સુધી પહોંચવાનું ભાગ્ય મળ્યું છે, જે અનેકોને મળતું નથી, તો પછી આ જીત જ છે ને? ચાલો, હવે ઉંમરનો રૂઆબ છાંટીએ અને જીવન વધુ ખુશીથી કઈ રીતે જીવી શકાય તેનો પ્લાન કરીએ. સારી યાદોમાં ખોવાઈ જવા સાથે વધુ સારી સારી યાદોનો સંગ્રહ કરીએ. ભવિષ્ય માટે સારી યાદો નિર્માણ કરવી તે તો આપણા હાથમાં છે. તો પછી આપણી પાસે કુરકુર કરવાનો સમય ક્યાં છે? ઉંમર તો માનવીએ નિર્માણ કરી છે. તેનો ખુશી સાથે કોઈ સંબંધ નથી. વૃદ્ધાવસ્થા હાથમાં નથી, પરંતુ મનથી વૃદ્ધ નહીં થવું તે સંપૂર્ણ આપણા હાથોમાં છે. ‘લેટ્સ કંટ્રોલ અવરસેલ્વઝ’ આ જ આપણો ફિટનેસ ફંડા છે.

આ સિનિયર્સ સ્પેશિયલની સહેલગાહ અજાણતાં જ સ્પિરિચ્યુઅલી ફિલોસોફિકલ બની જાય છે. ‘આય લવ માયસેલ્ફ, લેટ્સ લવ અવરસેલ્વઝ’ એવું સંપૂર્ણ વાતાવરણ બની જાય છે. ‘આ ઉંમરે આ કેવાં નાટકો’ એવી ટકોર કરવા અથવા સાંભળવા માટે અહીં સંપૂર્ણ બંધી છે. ખરેખર તો દરેક ઘરમાંથી તેને નાબૂદ કરવું જોઈએ. અરે, બધાનું કરતાં કરતાં ઉંમર ક્યારે વધતી ગઈ તેનું તેમને ધ્યાન રહ્યું નહીં. અને ધ્યાનમાં આવ્યું ત્યારે જો તેણી એકલી હોય અથવા તે એકલા હોય તો સજવાધજવા, જીવન ખુશીથી જીવવા ‘બુ-ી ઘોડી લાલ લગામ’ અથવા ‘હવે આ ઉંમરે આવું શોભે છે’ આ અલિખિત પણ નયન બોલે બધું જ એવા બંધનનું અદૃશ્ય દબાણ. મોટા ભાગનાં સ્થળે પરિસ્થિતિ એટલી ખરાબ નથી, પરંતુ જ્યાં છે ત્યાં પરિવર્તન ઘડાવું જ જોઈએ. શક્ય હશે તેટલું તેમનું જીવન તેમની ખુશીથી વીતવું જોઈએ, જે માટે મનથી પ્રયાસ થવા જોઈએ. એક સુવિચાર આ બાબતમાં યાદ આવ્યો કે, ‘જ્યારે તમે યુવાન હો ત્યારે વરિષ્ઠોનું સન્માન કરો, જ્યારે તમે શક્તિવાન હોય ત્યારે દુર્બળોને સહાય કરો, કારણ કે ક્યારેક તમે પણ વરિષ્ઠ થવાના જ છો અથવા દુબળ થવાના જ છો.’ ઉંમર વધવી તે એક નૈસર્ગિક ક્રિયા છે. જોકે ક્યારેક ક્યારેક વીસ-પચ્ચીસ વર્ષના યુવાનો વૃદ્ધ થયા હોય તેવા લાગે છે, જ્યારે નેઉના અમુક લોકોનો ઉત્સાહ યુવાનોને શરમાવે તેવો હોય છે. અમારા કાર્યાલયમાં એક વાર એચ. આર.નો એક રિમાર્ક આવ્યો, ‘કેન્ડિડેટ ઈઝ વેરી ઓલ્ડ.’ મેં કહ્યું, ‘કેટલી ઉંમર?’ જવાબ આવ્યો, ‘બેતાલીસ.’ હું નિ:શબ્દ બની ગઈ. મને લાગ્યું કે જો આ કેલ્ક્યુલેશન હોય તો મારે તો રિટાયર્ડ જ થઈ જવું જોઈએ. ત્રીસીના યુવાનોને ચાળીસ ‘ઓલ્ડ એજ’ લાગે તો વરિષ્ઠોમાં પચાસ ઉંમર એટલે ‘યંગ એજ’, કેટલી રિલેટિવ ટર્મ છે જુઓ ને.

કોઈ પણ ઉંમરની વ્યક્તિ હોય તેને પૂછો, ‘ઓલ્ડ એજ એટલે કેટલી?’ તો તે કહેશે, ‘તેની ઉંમર કરતાં દસ-પંદર વર્ષ મોટી’. જનરલ ફેમિલી ટુર્સમાં યંગસ્ટર્સ પાસેથી એક કુરકુર ક્યારેક સંભળાય છે અથવા ડિમાન્ડ હોય છે કે તમે ફક્ત યુવાન લોકોની જ સહેલગાહ કાઢો. તેમને આવા સમયે સમજાવવું પડે છે. પહેલો પ્રશ્ન હોય છે, ‘યંગ કોણ અને ઓલ્ડ કોણ?’ ભારતીય સંસ્કૃતિ એકત્ર કુટુંબ પદ્ધતિનો આદર કરે છે, જેમાં નાના-મોટા વરિષ્ઠો બધા જ સંપીને રહે છે. તો પછી સહેલગાહ પણ જે તે સમય પૂરતી એક નાનો પરિવાર જ હોય છે ને. આમ છતાં અલગ અલગ મન:સ્થિતિનો વિચાર કરતાં અમે વીસથી પાંત્રીસ વયજૂથ માટે સિંગલ્સ સ્પેશિયલ અને સિનિયર્સ સ્પેશિયલ સહેલગાહ પંચાવનથી વધુ ઉંમર હોય તેવા પર્યટકો માટે. અહીં મહત્ત્વપૂર્ણ મુદ્દો એ છે કે સિનિયર્સની સહેલગાહ શરૂ થઈ તેનું કારણ યુવાનોએ કુરકુર કરી તેથી નહીં પરંતુ ઘરની જવાબદારીઓમાંથી થોડા મુક્ત થયા પછી જીવનનો ઉત્સવ ખુશી ઊજવવા માટે, ‘હું-મારું જીવન-મારી ખુશી’ આ સંકલ્પનાને વાચા આપવા માટે છે. સંકલ્પના એટલી સુંદર હોય છે કે તેમાંથી મળનારી ખુશી તેટલી જ મોટી હોય છે. સિનિયર્સ સ્પેશિયલની દિવસો વીતવા સાથે વધતી લોકપ્રિયતા આ બાબતનો જીવંત દાખલો છે.

ઘણી વાર આ સહેલગાહમાં એકાદ માતા અથવા એકાદ પિતા અથવા માતા-પિતા આવીને કહે છે કે અમે અમારી દીકરીને અથવા દીકરાને આ સહેલગાહ ભેટ આપી છે. આથી તેમના ચહેરા પર સંતાન વિશેનો ગર્વ ઘણું બધું કહી જાય છે. આજે માતા-પિતાને સમય આપવો તે આ રસાકસીભરી સ્પર્ધાના યુગમાં અશક્ય છે. દોષ કોઈનો નથી, પરંતુ સંતાનના મનમાં તે એક ગિલ્ટ હોય છે અને તેનું વળતર સમય નથી તો કમસેકમ ખુશી આપીને ઉજવણી કરવામાં આવે છે. હવે અહીં એકાદ સહેલગાહ જ ભેટ આપવી જોઈએ એવું નથી, પરંતુ અચાનક મોકલવામાં આવેલી બે ફિલ્મની ટિકિટ, એકાદ સુંદર રેસ્ટોરન્ટમાં તેમના માટે અથવા તેણીના અથવા તેના મિત્રો સાથે ડિનર કરવા માટે આપેલું વાઉચરથી પણ બહુ મોટી ખુશી નિર્માણ કરી શકાય છે. તે મહત્ત્વનું છે અને તેથી જ જોન એફ કેનેડીનું સુપ્રસિદ્ધ ભાષણ યાદ આવ્યું અને તેના આધારે કહેવાનું મન થાય છે, ‘આસ્ક નોટ વ્હોટ યોર પેરેન્ટ્સ ડિડ ફોર યુ, આસ્ક વ્હોટ યુ કેન ડુ ફોર યોર પેરેન્ટ્સ!’

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

*