નેવર એવર ગિવ અપ!

0 comments
Reading Time: 9 minutes

સંકટ આવે એટલે પોતાનું કે અન્યનું એકદમ સાચું વ્યક્તિત્વ સામે આવે છે. સંકટનો આપણે કઈ રીતે સામનો કરીએ છીએ, સંકટ પછી આવનારા ઘટનાક્રમનો કઈ રીતે સામનો કરીએ છીએ અને તે સંકટમાંથી બહાર નીકળીને અગાઉનો રૂઆબ-આત્મસન્માન કઈ રીતે પાછા મેળવીએ છીએ તે અગ્નિપરીક્ષા હોય છે. આ એકાદ વ્યક્તિ પૂરતું મર્યાદિત નથી હોતું, પરંતુ આ અગ્નિપરીક્ષા એકાદ શહેરની હોઈ શકે છે, એકાદ સંસ્થાની હોઈ શકે છે, એકાદ રાજ્યની હોઈ શકે છે અથવા એકાદ દેશની પણ…

છેલ્લાં વીસ-પચ્ચીસ વર્ષથી સતત ભટકવાનું ચાલુ છે. ઈસ્ટર્ન યુરોપમાંનાં અમુક નાનાં-નાનાં શહેરો જોવાનાં રહી ગયાં હતાં. તેનો પંદર દિવસનો પ્રવાસ ચાલુ હતો, જે પછી બેંગકોકમાં સિનિયર્સ સ્પેશિયલ અને વુમન્સ સ્પેશિયલના પર્યટકોને મળવાનું હતું અને તે પછી અત્યંત મહત્ત્વપૂર્ણ બાબત હતી તે એટલે આપણા બધાના અને અમારા પર્યટકોના મનગમતા કેરળની મુલાકાત લેવાની હતી. ભારતમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને પશ્ચિમ બંગાળથી વધુમાં વધુ પર્યટકો દેશવિદેશમાં સહેલગાહ કરતા હોય છે. તેમાંય મહારાષ્ટ્ર નંબર વન છે, જેનું કારણ અર્થાત કનેક્ટિવિટી છે. મુંબઈએ આપણને ભારતનાં દરેક રાજ્યને રોડવેઝ, રેલવેઝ અને વિમાનમાર્ગે જોડ્યું છે, કનેક્ટિવિટી વ્યવસ્થિત હોય તો વેપાર-ધંધાને જેમ ગતિ મળે છે તે જ રીતે પર્યટન વૃદ્ધિ માટે પણ પોષક વાતાવરણ નિર્માણ થાય છે. આથી જ મુંબઈને લીધે મહારાષ્ટ્રમાંથી દેશમાં અને વિદેશમાં પર્યટન કરનારા પર્યટકોની સંખ્યા સૌથી વધુ છે. ઉપરોક્ત ત્રણેય રાજ્યોના પર્યટકોનો વિચાર કરવામાં આવે તો તેમની ભારતમાં પર્યટનની વાત કરીએ તો સૌથી વધુ પસંદગી ઉત્તર બાજુ હિમાચલ કાશ્મીરમાં, પૂર્વ બાજુ સેવન સિસ્ટર્સ, મધ્ય ભારતમાં રાજસ્થાન અને દક્ષિણમાં કેરળની હોય છે. પર્યટન એટલે શું? પર્યટનલક્ષી પરિસ્થિતિ કઈ રીતે ઊભી કરવી? આપણા દેશના પર્યટકોને આપણી તરફ કઈ રીતે ખેંચવા? વિદેશના પર્યટકો સુધી કઈ રીતે પહોંચવું? તેમની આગતસ્વાગત કઈ રીતે કરવી? ‘અતિથિ દેવો ભવ:’નો અત્યંત સુંદર અનુભવ પર્યટકોને કઈ રીતે આપવો? ગૂડ વર્ડ ઓફ માઉથથી પર્યટન કઈ રીતે વધારવું? આનંદિત પર્યટનને લીધે કાનોકાન થતી જાહેરાત કેટલી મહત્ત્વની છે? આ આપણા દેશમાં કોઈને સમજાતું હોય તો તે રાજસ્થાન અને કેરળને સમજાય છે. હાલમાં જ હજુ કોસો દૂર હોવા છતાં ગુજરાતે તેનું ‘અનુકરણ’ કર્યું છે એવું કહેવામાં કોઈ વાંધો નથી. રાજસ્થાને ઐતિહાસિક સમૃદ્ધિનો ઉપયોગ કરીને કળા-પરંપરાની મદદથી રણમાં પર્યટન ફુલાવ્યું, વધાર્યું અને ‘પધારો મ્હારો દેસ’ કહીને આખી દુનિયાને ઘેલું લગાવ્યું. કેરળ આમ જોવા જઈએ તો ભારતના નકશા પરનું એક નાનું રાજ્ય છે, પરંતુ સૌંદર્ય, લીલોતરી, ભણેલુંગણેલું અને ‘શાંતંમ પાપમ’ની ખૂબી ધરાવતું સુંદર રાજ્ય છે. મસાલાના પદાર્થ, રબર પ્લાન્ટેશન, ચાના માઈલો સુધી પ્રસરેલા બગીચા, વરુણ રાજાની કૃપાથી જંગલથી ભરચક લીલોતરી, એક બાજુ સમુદ્ર તો બીજી બાજુ વેસ્ટર્ન ઘાટ, એટલે કે, સહ્યાદ્રિની દક્ષિણ બાજુ પ્રસરેલી પર્વતમાળા, બેક વોટર્સની અપ્રતિમ દેણ, આયુર્વેદ અને યોગની સંસ્કૃતિ, કથકલીની પરંપરા, કલ્પવૃક્ષની કૃપાદૃષ્ટિ… આ જ રીતે દરેક ઘરના કોઈક કામ નિમિત્તે વિદેશ-અખાતમાં હોવાથી પૈસાનો પ્રચંડ ધોધ કેરળમાં છે, તેમાંથી ખીલ્યું છે એકથી એક કેરળિયન ઘરોથી કેરળનું સૌંદર્ય. કેરળે પોતાનું પોટેન્શિયલ જાણ્યું છે. ‘ગોડ્સ ઓન કન્ટ્રી’ આ ટેગલાઈન લીધી અને પોતાના રાજ્યને ભારતના જ નહીં પણ દુનિયાના નકશા પર અવ્વલ સ્થાન મેળવી આપ્યું. છેલ્લા બે દાયકામાં જે રીતે કેરળમાં ભારતીય અને વિદેશી પર્યટકોની સંખ્યા વધી છે તે જોઈને કેરળને સલામ કરવાનું મન થાય છે અને કહેવાનું મન થાય છે, હેટ્સ ઓફ ટુ યુ!

બધું સારી રીતે ચાલી રહ્યું હતું ત્યાં કોઈકની નજર લાગી કે કેમ તેવું કેરળની બાબતમાં હાલમાં બન્યું. ઓગસ્ટમાં પ્રચંડ પર્જન્યવૃષ્ટિએ કેરળને ઘેરી લીધું. ધોધમાર-મુશળધાર વરસાદ, વાતાવરણમાં નિર્માણ થયેલો ઓછા દબાણનો પટ્ટો, ઈસ્ટર્ન અને નોર્ધર્ન પાર્ટમાં એટલે કે, ઈડુક્કી અને વાયનાડ વિસ્તારમાં તૂટી પડેલા પહાડ અને ધસી પડેલા રસ્તા, રાજ્યના ચોપ્પન ડેમમાંથી ચોંત્રીસ ડેમના દરવાજા ખોલી નાખવા પડ્યા હતા અને તેને લીધે આવેલા મહાભયંકર પૂરે “હતું તેનું નહોતું કરી નાખ્યું. અનેકોએ જીવ ગુમાવ્યા, કોઈની જીવનભરની કમાણી એકઝટકે ખતમ થઈ ગઈ, મૂળમાંથી ઊખડવું એટલે શું તે અનેકોએ આ પાયમાલી પરથી જાણ્યું. ભારતનાં બિઝી એરપોર્ટસમાંથી એક અને સંપૂર્ણ સોલાર એનર્જી પર ચાલતા દેશનું પ્રથમ એવું પ્રેરણાદાયક કોચિન એરપોર્ટ પણ પંદર-સોળ દિવસ સુધી બંધ રાખવું પડ્યું. સંકટની તીવ્રતા આપણે આ પરથી સહેજે સમજી શકીએ છીએ. આ બધું બન્યું ત્યારે વીણા વર્લ્ડના બે ગ્રુપ્સમાં પર્યટકો પણ કેરળમાં હતા. તેમને મદુરાઈથી મુંબઈમાં લાવવામાં આવ્યા. અમારા પર્યટકોને તે પ્રવાસનો ત્રાસ થયો, પરંતુ આવા સમયે હેમખેમ બહાર નીકળવું તે સૌથી મહત્ત્વપૂર્ણ હોય છે. ઓગણીસ્સો ચોવીસ, એટલે કે, લગભગ સો વર્ષ પૂર્વે કેરળમાં ‘ધ ગ્રેટ પ્લડ ઓફ ૯૯’એ હાહાકાર મચાવ્યો હતો. (તે વર્ષ મલયાલમ કેલેન્ડર અનુસાર એક હજાર નવ્વાણુ હતું). આ વર્ષે ઓગસ્ટમાં પણ કેરળની પરિસ્થિતિ હાહાકાર મચાવનારી જ નીવડી. બદનસીબે તે મોટો આઘાત હતો.

કેરળનાં આ મહાપૂર માનવી ઈચ્છા આકાંક્ષાનું પરિણામ હતું કે સમયસર સાવધાની નહીં રાખી તેનું પરિણામ હતું કે નિસર્ગને માત આપનારા-તેના પર સવાર થવા પ્રયાસ કરતા માનવજાતિને નિસર્ગનો ઈશારો વત્તા બોધ હતો, આ અલગ વિષય છે, પરંતુ આ ગંભીર પરિસ્થિતિ આપણા એક રાજ્યને માથે આવી પડી તે વાસ્તવિકતા છે. આ સંકટનો મુકાબલો કરવો તે તાકીદનું કામ હતું. બધા દેશ મદદે આવ્યા એમ કહી શકાય. કેરળ પર પ્રેમ કરનારા વિદેશી પર્યટકોએ પણ તેમના વતી ફૂલ નહીં તો ફૂલની પાંખડી કહીને મદદ મોકલી. અમુક દેશોએ મોકલેલી મદદ આપણા દેશે સ્વાભિમાનથી તેમના આભાર માનીને સ્વીકારી નહીં તે પણ ધ્યાનમાં લેવા જેવી બાબત છે. અમારી પર સંકટ આવ્યું છે, અમે નિશ્ચિત જ ભાંગી પડ્યા છીએ, પરંતુ તે સંકટ પર માત કરવાની-તેમાંથી બહાર આવવાની, તે માટે જોઈએ તે કષ્ટ કરવાની અમારી તૈયારી છે. અમે લાચાર નથી અથવા આમ કોઈકના ઓશિયાળા નહીં થઈએ એ વાત આપણા દેશે દુનિયા સામે રાખી તે આપણા દેશની અને યુવાનોની માનસિકતા માટે મહત્ત્વનું છે. મેરા ભારત મહાન! આ રેસ્ક્યુ ઓપરેશન સૌથી મોટું નીવડ્યું. સધર્ન નેવલ કમાન્ડ, સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ, નેશનલ ડિઝાસ્ટર રિકવરી સપોર્ટ ટીમ, લોકલ ફિશરમેન્સ સહિત બધાએ મળીને પાંસઠ હજારથી વધુ લોકોને પૂરમાંથી બહાર કાઢીને ઉગારી લીધા. હવે જે સ્થળે લોકો રીતસર બેઘર થયાં છે તેમનું પુનર્વસન કરવાનું કામ ચાલી રહ્યું છે. આ બધી પરિસ્થિતિમાં કેરળના લોકોની એકતા ધ્યાન ખેંચનારી હતી.

કેરળની સરકારે સૌપ્રથમ તો આખા વર્ષના સેલિબ્રેશન રદ કરી દીધા અને તે પૈસા પૂરગ્રસ્તો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના પુનરુદ્ધાર માટે રિલોકેટ કર્યા. બધાં સેલિબ્રેશન્સ રદ થવાને લીધે દર વર્ષે રૂઆબમાં ઊજવાતા, કેરળ માટે-દેશવિદેશની ટ્રાવેલ કંપનીઓ માટે-લોકલ રોજગાર માટે અત્યંત મહત્ત્વનું નીવડનારું ‘કેરલા ટ્રાવેલ માર્ટ’ સરકારે આર્થિક મદદ અન્યત્ર વાળવાથી અડચણમાં આવી ગયું. હવે મોટા ભાગે આ ઊંઝખ નહીં થાય તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ અને ફરી એક વાર કેરળની એકતાનું ઉત્તમ ઉદાહરણ દેશ સામે આવ્યું. સરકારની નિ:સહાયતા ધ્યાનમાં લઈને બધા હોટેલ્સવાળા, ટ્રાન્સપોર્ટર્સ, નાના-મોટા સંલગ્નિત વ્યાવસાયિકોએ એકત્ર આવીને તેમણે ‘કેરલા ટ્રાવેલ માર્ટ’ સાકાર કર્યું. સંબંધિત દરેકે પોતાનો સહયોગ આપ્યો. ગયા અઠવાડિયા પાર પડેલા આ ટ્રાવેલ માર્ટ માટે અમે અને અમારા વધુ ચાર ટીમ મેમ્બર્સે મુલાકાત લીધી. હું તેમની જોડે પછીથી જોઈન થઈ, કારણ કે મારો બેંગકોક પ્રવાસ ચાલુ હતો અને આમ જોવા જઈએ તો મારું મહત્ત્વનું કામ જ્યાં જ્યાં પર્યટકો જાય છે તે બધી જગ્યાઓ જોવાનું છે. આખી પરિસ્થિતિનો અંદાજ લેવાનો. પર્યટકોની વારંવાર પૂછપરછ થઈ રહી છે કે, ‘દિવાળીની રજાઓમાં અમે કેરળમાં જઈ શકીએ કે નહીં? ત્યાંની પરિસ્થિતિ સુધરી છે કે નહીં?’ કેરળમાં બધાં સ્થળેથી ફર્સ્ટ રિપોર્ટ મળતો હોવા છતાં પોતે જઈને ત્યાંનો કયાસ મેળવવાનું અમને ગમે છે, કારણ કે પ્રશ્ન અમારા પર્યટકોનો છે. ત્યાં નો કોમ્પ્રોમાઈઝ માનસિકતા હોવાથી ‘ચલો કેરળ’ એવો ગ્રીન સિગ્નલ અમારા પર્યટકોને આપવા પૂર્વે અમે ખાતરી કરી લીધી. કેરળના પર્યટન સ્થળને પૂર્વવત સ્થિતિમાં આવેલાં જોઈને આશ્ચર્ય થયું. ઓલરેડી પર્યટકો કેરળમાં પર્યટન કરવા લાગ્યા છે. તેમાંય ઘણા બધા ફોરેન ટુરિસ્ટ જોઈને ખુશી થઈ અને થોડું માઠું પણ લાગ્યું, કારણ કે આપણા પર્યટકો શરૂ થવા પૂર્વે જ વિદેશી પર્યટકોએ કેરળ પર ‘ઓલ ઈઝ વેલ’નો સિક્કો માર્યો. કેરળનાં બધાં પર્યટનસ્થળો પર્યટકોના સ્વાગત માટે તૈયાર છે. એક પર્યટન સંસ્થા તરીકે વધુમાં વધુ પર્યટકોને અમે કેરળમાં લઈ જવા માગીએ છીએ, તે અમારી ફરજ છે. અમારું અને અમારા પર્યટકોનું આ જ યોગદાન કેરળના મદદકાર્યમાં રહેશે.

અહોરાત્ર મહેનત કરીને, યુદ્ધના ધોરણે કામ કરીને કેરળ ફરી એક વાર રૂઆબથી ઊભું થઈ ગયું છે. ‘નેવર એવર ગિવ અપ’નો ઉત્તમ દાખલો કેરળે આપણા બધાની સામે મૂક્યો છે. તેમની મહેનતને અને એકતાને સલામ કરીને આપણે બધાએ કેરળને આ વર્ષે વધુમાં વધુ પર્યટકો મળે અને પર્યટન દ્વારા નિર્માણ થનારા રોજગારને લીધે વર્લ્ડ ટુરીઝમ મેપ પરનું કેરળનું સ્થાન અબાધિત રહે તે માટે શુભેચ્છા આપીએ.

Gujarati, Language

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.

*