નિસર્ગનો ચમત્કાર – નોર્ધન લાઇટ્સ, મિડનાઈટ સન

0 comments
Reading Time: 6 minutes

દુનિયા જોવા એક આયુષ્ય ઓછું છે, યુરોપ જોવા એક સહેલગાહ અપૂરતી છે. સ્કેન્ડિનેવિયા જોવા એક સીઝન અપૂરતી છે. નોર્ધન લાઈટ્સ? કે મિડનાઈટ સન? એક જ સહેલગાહ નથી કે આ બંને એકત્ર કરી શકાય? એક ઈનોસન્ટ પ્રશ્ન. આવું થયું હોત તો સોનાથી પણ પીળું. જોકે આ નિસર્ગની મનમાની છે. તે કહે છે, “મારા અલગ અલગ ચમત્કાર જોવા હોય તો હુ કહું છું ત્યારે જ તમારે આવવું પડશે. સો, નક્કી કરો ફેબ્રુવારી કે જુન?

“કેટલા વાગ્યા? “નવ! “સવારના કે રાતના? આવો કંઈક ગડબડ ભરેલો સંવાદ ત્યાં સાંભળવા મળે છે. અહો, વર્ષના કેટલાક દિવસ જો રાત થઈ જ નહીં, સૂર્ય મધ્યાહ્ન જેવો સદાસર્વકાળ માથા પર તપતો રહે, દિવસ અને રાતનો ટ્રેક ભુલાવા લાગે તો આવા પ્રશ્ર્નો થશે જ, બરોબર ને? આપણા ત્યાં સારું છે, એટલે કે નિસર્ગ અને ભૂગોળની દૃષ્ટિએ સૌથી ભાગ્યશાળી દેશ કોઈ હોય તો તે આપણો ભારત. નિસર્ગ જ આપણને કહે છે ‘સવાર થઈ ઊઠો’, ‘રાત્રિ થઈ સૂઈ જાઓ’. દુનિયાના અનેક ભાગોમાં આવી પ્રતિકૂળતાનો હસતે મોઢે સામનો કરનારા અસંખ્ય નાગરિકો જોવા મળે છે ત્યારે આપણને મળેલી અનુકૂળતા માટે ધન્યવાદ આપીને ઘણું જ શીખવા મળે છે. આજે ખાસ કરીને લખવાનું લાગ્યું આર્ક્ટિક સર્કલના એક્સ્ટ્રીમિટીઝ વિષયે, ત્યાંના નિસર્ગના ચમત્કાર વિષયે.

વર્લ્ડ ટ્રાવેલ માર્ટ માટે અમે એક વાર લંડન ગયા હતા ત્યારે અચાનક નક્કી કર્યું, ચાલો આ વખતે નોર્ધન લાઈટ્સ જોવા જઈએ. પહેલી જ વાર જવાના હતા, કોઈપણ અભ્યાસ કર્યો ન હતો, એબ્સોલ્યુટલી ઝીરો નોલેજ. ‘ચાલો કંઈક અલગ કરીએ!’ કહીને અમે એ જ દિવસે નોર્વેના વિમાનની ટિકિટ કાઢી, અને પહોંચ્યા ઓસ્લો. પહેલા ઓસ્લો ગયા હતા તેથી જાણીતું શહેર હતું, ફરી એક વાર વિગેલેંડ પાર્કની મુલાકાત લીધી અને બીજા દિવસે નીકળ્યા ટ્રોમ્સો જવા, નોર્ધન લાઈટ્સનો પ્રવાસ ત્યાંથી જ શરૂ થવાનો હતો. નોર્ધન લાઈટ્સની સીઝન શરૂ થતા પહેલાં જ અમે ત્યાં પહોંચ્યા ત્યારે સર્વત્ર ગડબડ. ફક્ત ત્રણથી ચાર કલાકનો દિવસ, ટ્રોમ્સોની અડધી જનતા ઘરમાં નહીં તો બીયર બારમાં. ત્યાંના ટૂરિઝમ લોકોને મળીને ભારતમાંથી ટૂરિસ્ટ લાવવાની ઇચ્છા જણાવી અને એમણે અમને તમારે કઈ રીતે પ્રવાસ કરવો એની સંપૂર્ણ માહિતી આપી. ટ્રોમ્સોથી નોર્થ કેપ સુધી પ્રવાસમાં એક ઍરપોર્ટ પર પહોંચ્યા ત્યારે એરપોર્ટ પર કોઈ જ ન હતું, દરવાજા પાસે ગયા ત્યારે કડી માર્યા વિના દરવાજો બંધ હતો. અમે એ ઉઘાડ્યો અને અંદર ગયા. સમજ નહોતી પડતી કે ફ્લાઈટ આવશે કે નહીં. કેટલી વાર સુધી બન્ને બેસી રહ્યા. વિમાનને ચાળીસ મિનિટ હતી ત્યારે બે છોકરા આવ્યા, એમણે ધડાધડ કાઉન્ટર શરૂ કર્યું. ચાર પ્રવાસી આવ્યા. કુલ મળીને અમે છ પ્રવાસી હતા અને એ બન્ને એરપોર્ટ એટેન્ડન્ટ્સ. વિમાનનો સમય થયો એટલે એક નાનું વિમાન આવ્યું અને નીકળ્યું નોર્થ કેપ જવા. બરફાચ્છાદિત નોર્થ કેપના વિઝિટર સેંટર પરથી નૉર્થ પોલ તરફ જોવું એ અમારું લક્ષ્ય. આ જ પ્રવાસમાં અમે પહેલી જ વાર હસ્કી રાઈડ કરી. આજે પણ એ હસ્કી રાઈડ એડવેન્ચર યાદ આવે છે ત્યારે એટલો જ આનંદ થાય છે જેટલો એક્ચ્યુલી એ રાઈડ કરતા થયો હતો. અમે અમારી આ સાહસી સહેલ પૂર્ણ કરી તે નોર્ધન લાઈટ્સ જોઈને. આકાશમાં થનારી રંગોની છટા જોવી એ અમારો મુખ્ય ઉદ્દેશ હતો અને એ અમે પાર પાડ્યો. અને ભારતમાંથી નોર્ધન લાઈટ્સની સહેલ શરૂ કરી.

‘નોર્થ પોલ’ એટલે કોઈની પણ-કોઈપણ દેશની માલિકી ન ધરાવતો, જગતના છેવાડાની વસતીથી અંદાજે અઢી હજાર કિલોમીટર પર આવેલો ‘ઉત્તર ધ્રુવ’. આ પોલર રીજનમાં, નોર્થ પોલની નજીક આવેલો દેશ એટલે અલાસ્કા (યુએસએ), આઈસલઁડ, નોર્વે, રશિયા, ફિનલઁડ અને સ્વીડન. સાયબેરિયા, યુકોન, ટ્રૉમ્સ, લેપલઁડ, ટુંડ્રા પ્રદેશ, ઇનુઇટ્સ, એસ્કિમો, સામી, ઇગ્લુ આવાં બધાં નિશાળમાં શીખવેલાં નામ આ આર્ક્ટિક પોલર રીજનમાં જ. પોલર બેઅર, સ્નો આઉલ, આર્ક્ટિક ફોક્સ, આર્ક્ટિક વૂલ્ફ આ બધાની વાતોથી આપણું બાળપણ સમૃદ્ધ હતું એ પણ બધાં અહીંના પ્રાણી.

તેલ, વાયુ, ખનિજ, મીઠું પાણી અને માસ આ સંપત્તિ છે પોલર રીજનની. જગતના મીઠા પાણીનો દસ ટકા જથ્થો આર્ક્ટિકમાં છે. પણ હવે એક જ ડર છે એ છે ગ્લોબલ વોમિંગનો. સતત બરફીલો રહેલો આ પ્રદેશ ત્રીસ વર્ષમાં ઉનાળાના દિવસોમાં બરફ વિનાનો થશે, એટલે આર્ક્ટિકમાં બરફ જોવો હોય તો આપણને ઠંડીમાં જવું પડઈેં. આ પ્રચંડ બરફનો જથ્થો ઓગળવા પર દરિયાના પાણીની સપાટી વધશે અને એના લીધે કેટલાક નવા પડકારો આપણી સમક્ષ આવશે. ભલે. એ ખૂબ જ મોટો વિષય છે અને તજ્ઞ મંડળી એના પર કામ કરી રહી છે, અર્થાત એમણે આપેલ ગાઈડ લાઈસન્સને વળગી રહેવું એ આપણું આદિ કર્તવ્ય છે આવનારા અનર્થને ટાળવા માટે.

પોલર રીજનમાં ઉનાળાના દિવસોમાં (મેથી સપ્ટેમ્બર) મિડનાઈટ સનના સમયે જૂન-જુલાઈ જેવો ચોવીસ કલાકનો દિવસ આપણને જોવા મળે છે, જ્યારે ઠંડીના દિવસોમાં (નવેમ્બરથી માર્ચ) જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં આ જ સ્થાને આપણે જોઈએ છીએ 24 કલાકની રાત. ઠંડીમાં નોર્ધન લાઈટ્સનો ચમત્કાર એટલે નિસર્ગના આશીર્વાદ કહેવામાં વાંધો નથી કારણ કે એ દ્વારા જગતભરના પર્યટકોની આવન-જાવન શરૂ રહે છે અને અહીંની ઇકોનોમીને મદદ થાય છે. આપણા પૃથ્વીના વાતાવરણમાં અલગ અલગ વાયુ અને સોલર વિંડ્સ એમની જ્યારે આકાશમાં અથડામણ થાય છે ત્યારે મોટા અવાજ થાય છે અને એ કોલિજનના કારણે વિવિધ પ્રકારના રંગોની છટા આપણને આકાશમાં દેખાય છે આ પોલર રીજનમાંથી. લીલો, પીળો, ગુલાબી રંગ આમ આકાશમાં ફેલાયેલો જોવો એ નિસર્ગનો ચમત્કાર કહેવો. આ નિસર્ગનો ચમત્કાર  જોવા હવે મોટી સંખ્યામાં ભારતીય પર્યટકો જવા લાગ્યા છે. એટલે કે આ વર્ષની પહેલી નોર્ધન ટૂર્સ હાઉસફુલ થઈ ગઈ છે અને હવે બીજી સહેલગાહનું બુકિંગ શરૂ છે.

અદ્ભુત, અપ્રતિમ, અનોખું, ચમત્કારિક, વિશાળ એવું આ વિશ્ર્વ જોવા એક આયુષ્ય અપૂરતું છે. જેટલું જોઈ શકાય એટલું જોઈ લેવું અને બધાને દેખાડવું એવી રટ લાગી છે. સતત બેક ઓફ ધ માઈન્ડ એક જ મંત્ર હોય છે, ‘ચલો, બેગ ભરો, નિકલ પડો!’

Gujarati

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.

*