Gujarati

ઓરા મીટર

Reading Time: 5 minutes

આજે માહોલ ખાસ્સો હેલ્થ કોન્શિયસ બની ગયો છે. ખાસ સમય કાઢીને ફિઝિકલ ચેક-અપ કરવાનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે. ‘મને શું થવાનું છે?’ તેના કરતાં ‘પ્રિકોશન ઈઝ બેટર ધેન ક્યોર’ તરફ ઝોક વધ્યો છે તે સારી વાત છે. હેલ્થ ચેક-અપ જેટલું જ મહત્ત્વનું સેલ્ફ ચેક-અપ છે, જે માટે સમય કાઢવો જોઈએ. ઈશ્ર્વરે આ પૃથ્વી પર પરફોર્મ કરવા માટે આપણને જે સમય આપ્યો છે તેનું આપણે ચોક્કસ શું કરીએ છીએ?…

થોડા દિવસ પૂર્વે અમારી પ્રોડક્ટ ડિઝાઈનિંગ ટીમની હેડ અશ્ર્વિની સામંત સ્ટડી ટુર પર પંદર દિવસ માટે સાઉથ આફ્રિકામાં ગઈ હતી. તે નહોતી ત્યારે ડેપ્યુટી ઈનચાર્જ જોઈતો હતો, ‘ટુ કેચ હોલ્ડ ઓફ સમવન કેપેબલ.’ ડિસ્કશન પછી પ્રાજક્તા દેવાસકરનું નામ આગળ આવ્યું. પ્રાજક્તાને બોલાવી અને પૂછ્યું, ‘તું આ જવાબદારી નિભાવી શકશે એવું તને લાગે છે? વીણા વર્લ્ડના આરંભથી અહીં છે, આપણું કલ્ચર તું જાણે છે, કામ વિશે જ્ઞાન સારી રીતે આત્મસાત કર્યું છે. તારા પ્લસ પોઈન્ટ્સ માયનસ પોઈન્ટ્સ અમને ખબર નથી, પણ તને તે ખબર છે? તેં ક્યારેય પોતાને ચેક કર્યું છે? જો અમે તારું નામ ટીમને કહ્યું તો ‘અરે વાહ!’ એવી પ્રતિક્રિયા આવશે કે પછી ‘ઓ ગોડ નો!’ એવો તરત રિમાર્ક આવશે? તેં તારા વ્યક્તિત્વની આસપાસ કઈ રીતે ઓરા નિર્માણ કર્યો છે? પ્રાજક્તાને આ પ્રશ્ર્નો નવા હતા, ‘હું આ જવાબદારી ઉઠાવવા તૈયાર છું, મને લાગે છે તે રીતે અમુકતમુક મારા માયનસ પોઈન્ટ્સ લાગે છે તે હું નિશ્ર્ચિત જ પ્લસમાં લાવીશ.’ માયનસ પોઈન્ટ્સ સમજાય તે સારી બાબત હતી. પ્રાજક્તાને તેનો રોલ સુપરત કરીને અમે બીજાં કામમાં વળ્યાં. અચાનક મેં પોતાને પ્રશ્ર્ન પૂછ્યો, ‘અરે પ્રાજક્તાને પૂછ્યું પણ આપણે પોતાને આ બાબતમાં ક્યારેય ચેક કર્યું છે?

વીણા વર્લ્ડની બીજા વર્ષની એન્યુઅલ કોન્ફરન્સમાં અમે એક વાતનું ફોલો-અપ કર્યું તે હતું, ‘લેટ્સ બી અ ગૂડ હ્યુમન બીઈંગ ફર્સ્ટ.’ વીણા વર્લ્ડ ટીમ મેમ્બર તરીકે આપણે પહેલા એક ઉત્તમ માનવી બનીએ. અમે તે માટે અમારા ‘ટેન કમાન્ડમેન્ટ્સ’ નક્કી કર્યા હતા. વચ્ચે વચ્ચે તેના આધારે પોતાની પોતે જ પરીક્ષા લેવાની. જે સારું હોય તે વધુ સારું કરવાનું અને જ્યાં આપણે ઓછાં પડીએ ત્યાં પ્રયાસ કરીને સુધારવાનું. દરેક માનવી અલગ છે. સુખી માનવી ટોર્ચ લઈને નીકળીએ તો પણ મળતો નથી તેમ હન્ડ્રેડ પર્સન્ટ પરફેક્ટ પર્સન હોઈ નહીં શકે. જોકે સતત સારા માર્ગ પર આગળ વધતાં રહેવું જરૂરી છે. આપણે ગમે તેટલા સારાં હોઈએ તો પણ એકલાં કશું જ નહીં કરી શકીએ, પરંતુ આપણા જેવા સારા માનવી એકત્ર આવીએ તો ચમત્કાર સર્જી શકીએ એ વાસ્તવિકતા છે અને તે આપણને આસપાસ જોવા મળે છે. વીણા વર્લ્ડનો જ દાખલો લઈએ તો બેક એન્ડમાં મુંબઈ કોર્પોરેટ ઓફિસમાં છસ્સો જણની ટીમ કાર્યરત છે. અમારી દરેક સેલ્સ ઓફિસમાં કમસેકમ છથી પુણે સેલ્સ ઓફિસમાં સાઈઠ જણની ટીમ છે. દુનિયાભરની સહેલગાહ પર વીણા વર્લ્ડનો ધ્વજ લહેરાવનારા અમારા છસ્સો ટુર મેનેજર્સ અને ચેન્નઈથી આસામ સુધી બુકિંગની સુવિધા કરી આપનારા અમારા બસ્સોથી વધુ પ્રીફર્ડ સેલ્સ પાર્ટનર્સ… આ યાદી દર મહિને વધી રહી છે. એટલે કે, બે હજારથી વધુનો પરિવાર બની ચૂક્યો છે. અહીં દરેક સ્થળે નાનું-મોટું નેતૃત્વ કામ કરી રહ્યું છે. હવે આ મેનેજર્સ અને ઈનચાર્જીસની સંખ્યા સો ઉપર પહોંચી છે. પહેલા પાંચ વર્ષમાં સંસ્થા શરૂ કરવી, બ્રન્ડ નિર્માણ કરવી, સર્વિસ આપીને પર્યટકોના વિશ્ર્વાસમાં પાત્ર બનવું, દુનિયાભરના સપ્લાયર્સનું નેટવર્ક ઊભું કરવું, કોઈ ભૂલો થાય તો તે સુધારવી એવું કરતાં કરતાં સમય ક્યારે વીતી ગયો તે સમજાયું જ નહીં. એક મહત્ત્વની બાબતનું અમે પાલન કર્યું તે એ કે બધી દોડધામ વચ્ચે વીણા વર્લ્ડમાં નૈતિક મૂલ્યોનું મહત્ત્વ આપનારી એક પારદર્શક સંસ્કૃતિ કેળવી શક્યાં. સંસ્થાપનના બીજા વર્ષે નક્કી કરેલા ટેન કમાન્ડમેન્ટ્સ અમારી કોર્પોરેટ ઓફિસમાંની એક દીવાલનો ભાગ બન્યો. જોકે પાંચ વર્ષ પછી હવે ફરી તે તરફ નવેસરથી જોઈને અમે નાના-મોટા ટીમ લીડર્સે પોતાને ચકાસી લેવું જોઈએ. ઘણી વાર દીવાલ પર એકાદ બાબત લટકાવી દીધી એટલે આપણો કાર્યભાગ પૂરો થયો એવી સ્થિતિ બની જતી હોય છે. આજે મેં પોતે ઘણા દિવસ પછી આ ટેન કમાન્ડમેન્ટ્સ તરફ જોયું. પોતાને ચેક કર્યું. નવેસરથી તે દીવાલનો ફોટો કાઢ્યો જે અહીં ઉપર આપ્યો છે.

કોઈ પણ સંસ્થા અલગ અલગ વ્યક્તિત્વ મળીને બને છે. આ વ્યક્તિત્વ જેની તેની એક્સપર્ટીઝથી સંસ્થાનો કાર્યભાર ચલાવતી હોય છે, સંસ્થાને આગળ લઈ જતી હોય છે. તેમની એક્સપર્ટીઝ ઓળખવાનું કામ સંસ્થા સંચાલકોનું અને ટીમનું અલગ અલગ વ્યક્તિત્વ ઓળખનાર જે તે મેનેજરનું હોય છે. અમારી મિટિંગ પૂરી થયા પછી મેં ડિરેક્ટર્સ અને મેનેજર્સના વર્ચ્યુઅલી નજર સામે લાવીને તેમને વર્ગીકૃત કર્યા. તે કરતી વખતે મને દેખાયેલો તેમનો ઓરા ધ્યાનમાં લીધો.

આ વ્યક્તિ જ્યારે તેમના ડિપાર્ટમેન્ટમાં અથવા ઓર્ગેનાઈઝેશનમાં હોય છે ત્યારે કેવો માહોલ તેમનું વ્યક્તિત્વ નિર્માણ કરે છે તે જોવાનું મારે માટે એક વૈચારિક ટાઈમપાસ બની ગયો. ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ ફિલ્મમાં સ્પેનમાં કારમાં ત્રણ મિત્રો એક ગેમ રમતા હોય છે. વ્યક્તિત્વ નામ ઉચ્ચારવાનું અને બીજાએ તાત્કાલિક સંબંધિત શબ્દ બોલવાનું. આવું જ કાંઈક આ વેરી ઈન્ટરેસ્ટિંગ છે. વ્યક્તિત્વના કેટલા અલગ અલગ પ્રકાર નજર સામે આવ્યા, જેને લીધે આસપાસનું વાતાવરણ પ્રફુલ્લિત થાય, માહોલ હાસ્યસભર બને, એક પ્રકારનું મોટિવેશન મળે. આ સમયે તાત્કાલિક સામે આવેલાં નામમાં સુધીર પાટીલ, સુનિલા પાટીલ, સંદીપ જોશી, વૈભવી સોમણ, અશોક પેડણેકર હતાં. એકાદ પ્રોબ્લેમ આવે એટલે તેનો ચોક્કસ ઉકેલ આવશે એવો વિશ્ર્વાસ જો ટીમને મળતો હોય તો તે કોની પાસેથી એવું પૂછો તો શિલ્પા મોરે, એની અલમેડા, વિવેક કોચરેકર, ભાવના સાવંતનાં નામ સામે આવ્યાં. મોસ્ટ ક્ધસર્ન્ડ ફિકર કરનારમાં પ્રણોતી જોશી, પ્રશાંત ચવ્હાણ, અમેય હજારે હતાં. ‘ડોન્ટ વરી, વી વિલ મેનેજ’ એવો વિશ્ર્વાસ વૃદ્ધિ પામતી ઓર્ગેનાઈઝેશનને આપનારી ટીમમાં પ્રમોદ રાણે, પ્રાચી ગુરવ, અશ્ર્વિની જોગદંડ, ઈશિતા શાહ, સુષમા કદમ, વિનેશ શિરગાવકર, મયુર નેરુરકર છે. એેનેલિટકલ અને સ્ટેટિસ્ટિક્સની દૃષ્ટિથી ઓર્ગેનાઝેશન પાસે જોઈને સૂચન કરનારમાં નીલ પાટીલ અને પ્રિયાંકા પતકી હતાં.. બધાનાં નામ આપવા એક અલગ આર્ટિકલ બની શકે. હવે આ બધી વ્યક્તિમાં જે પણ ગુણ હતા તેને લીધે તેમને સંબંધિત કામની જવાબદારી આપવામાં આવી કે તેમની પર જવાબદારી આવી પડી અને તેમણે તે રીતે પોતાને મોલ્ડ કર્યા કે બંનેના મિશ્રણથી તેમનો ઓરા બનતો ગયો તે પ્રશ્ર્ન છે. જોકે દરેક વ્યક્તિત્વ અમુક એક ઓરા તરત જ આપણી સામે ઊપસાવે છેે નિશ્ર્ચિત છે.

આપણે પોતાના ઘર, કાર્યાલય, આપણા મિત્ર સમૂહમાં કેવું વાતાવરણ નિર્માણ કરીએ છીએ તે તપાસી લેવું જોઈએ. એટલે કે બધા આપણને સારા કહેવડાવે તેથી આપણે સારી વર્તણૂક કરવી એવો ભાવ આમાં નથી. આવી વર્તણૂક અમુક સમય પૂરતી ટકે  છે. ઓરા આપણા ધ્યાન બહાર બનતો હોય છે. કહેવાય છે ને કે, ‘કેમેરા સામે અથવા બધાની સામે આપણે જે રીતે વર્તણૂક કરીએ તે સાચું હોતું નથી.’ આપણી પર કોઈનું ધ્યાન નહીં હોય ત્યારે આપણે જે હોઈએ તે જ આપણું ખરું વ્યક્તિત્વ હોય છે. ઓરા તે જ વ્યક્તિત્વનો ભાગ છે. તે ખોટો નહીં હોઈ શકે, કારણ કે આપણે બનાવેલો હોતો નથી, પરંતુ તે આપણી એકધારી વર્તણૂકમાંથી અન્યોના મનમાં તૈયાર થયેલો હોય છે. આપણા વ્યક્તિત્વ આસપાસ કેવો માહોલ બન્યો છે તે એક વાર ઓરા મીટરથી આપણે પોતાને ચેક કરવા જોઈએ, જેથી તેમાં કોઈ નેગેટિવ રિઝલ્ટ આવે તો આપણે પોતાના જ ડોક્ટર બનીને તેના પર પ્રામાણિક રીતે ઉપાયયોજના કરી શકીએ. ‘ગૂડ ઓરા’ જો આપણે આઈડિયલ કંડિશન માનીએ તો કોઈને તે ગૂડ ઓરામાં હેલ્ધી અથવા ટોટલી ફિટ બનવાનું ગમશે નહીં? શારીરિક વ્યાધિ માટે આપણે ઔષધોપચાર કરીએ જ છીએ ને, ત્યાં ક્યાં કશું નીચાજોણું લાગે છે. કોઈ અભિનેતા દિવસમાં અમુક ગોળીઓ લે છે એવા સમાચાર આપણે વચ્ચે વચ્ચે વાંચતાં રહીએ છીએ. માનસિક બાબતમાં જો આવો કોઈ ઔષધોપચાર કરવાનો હોય તો તરત જ ચાર ભવાં ઊંચકાય છે. તેના કરતાં પણ ખરાબ એ છે કે ‘આપણા દરેકને પોતે માનસિક રીતે ફિટ છીએ’ એવા ભ્રમમાં અથવા મૃગજળમાં રહેવાનું ગમે છે અથવા આપણે પોતાની આસપાસ તે ઓરા નિર્માણ કરેલો હોય છે. આ અવસ્થામાં પોતાને અને સમૂહ માટે પણ ઘાતક છે. આથીજ આપણે દરેકે જો આપણા કુટુંબમાં, કામમાં, ઉદ્યોગમાં, રાજકારણમાં પણ સફળ બનવાનું હોય તો ઓરા મીટરનો આશરો લેવો જોઈએ.

આપણે પોતાની અંદરથી જ પોતાનું એક સુંદર વ્યક્તિત્વ ઘડી શકીએ છીએ. ઈટ્સ નેવર ટૂ લેટ. અન્યોને વહાલી લાગતી વ્યક્તિ આપણે બની શકીએ? આપણે જ્યાં જઈએ ત્યાં હકારાત્મક એવી ઊર્જા નિર્માણ કરી શકીએ? આપણા મનની બધી નકારાત્મક બાબતો આપણે ભગાવી શકીએ? કારણ કે તે ભગાવીએ તો જ સારી બાબતો આપણા મનમાં વસવાટ કરી શકશે. આપણે આપણી આસપાસની વ્યક્તિઓમાં સારી બાબતો શોધીએ છીએ કે તેની ક્યાં ભૂલ થાય છે તેની વાટ જોતા રહીએ તે ચેક કરવાનું મહત્ત્વનું છે, કારણ કે આપણે જો આપણને લીડર તરીકે જોવાના હોઈએ તો અન્યોમાંના સારા ગુણ આપણને તરત દેખાવા જોઈએ. તે વધવા માટે આપણે તેમની શક્તિ આપી શકવા જોઈએ. આપણે એવા લોકોના સહવાસમાં રહેવું જોઈએ જે આપણા થકી કશું સારું ઘડી શકે. ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે તોય તેમાં પોતાની તક દેખાવી જોઈએ. લીડર્સ સારા બની શકે તેના પર મારો વિશ્ર્વાસ છે. વીણા વર્લ્ડ નામે આ નાની સંસ્થા ચલાવતી વખતે હું તે અનુભવ કરી રહી છું. જોકે તે માટે દરેકે આવી અનેક સ્વપરીક્ષામાં પોતાની નજરમાં ખરા ઊતરવા જોઈએ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

*