અવમૂલ્યન

0 comments
Reading Time: 6 minutes

વિશ્ર્વભરનો પ્રવાસ કરીએ વરસોવરસ પણ સાદી કૉફી લેવાની થાય કોઈપણ દેશમાં તો મનમાં ગુણાકાર શરૂ. ‘અરે બાપરે, કૉફી માટે પાંચસો રૂપિયા?’ એવું મનમાં થઈ આવે, ખરેખર કૉફીની જરૂર છે? થોડી વારમાં તો જમવું છે…

મારું સપનું છે, ખરેખર તો ફેન્ટસી કહેવાય. યુરોપમાં અમે સહેલીઓ ભટકતાં ભટકતાં એક ઘડિયાળની દુકાનમાં ઘૂસ્યાં. એક એક ઘડિયાળની કિંમત અમે જોતાં હતાં. પાંચ હજાર યુરો, દસ હજાર યુરો અને અમે એકમેકને કહેતાં. ‘વાવ! સો ચીપ, ચાલો લઈ નાંખીએ બે-ત્રણ ઘડિયાળ’ અને અમે ઘડિયાળ લેતાં કારણ કે તે સમયે આપણો એક રૂપિયો એટલે એમના પંચ્યાશી યુરો હોય છે. સ્વપ્ન જુઓ એ સાકાર થાય એવું કહેવાય. સો કીપ ડ્ર્રીમિંગ! જોતાં રહો. આજે આનાથી ઊલટી પરિસ્થિતિ છે. યુરોપીયન્સ આપણી પાસે આવે છે ત્યારે આપણે ત્યાંની સો રૂપિયાની વસ્તુ એમને સવા યુરોમાં પડે છે. એક યુરો એટલે પંચ્યાશી રૂપિયા. યુરોપીયન્સના મોઢામાંથી આપોઆપ શબ્દો સરી પડે છે, ‘ઓહ, ઇન્ડિયા ઇઝ સો ચીપ!’ એમનો આનંદ આપણાં હૃદયને માત્ર વેદના આપી જાય છે.

મને ફોરેન એક્સચેંજ સમજમાં આવ્યું ત્યારે એક ડૉલરની કિંમત પાંત્રીસ ભારતીય રૂપિયા હતી, જે આજે પંચોતેર રૂપિયા થઈ છે. પૂર્વી યુરોપમાંનાં દેશોની અલગ અલગ કરન્સી હતી. ૧૯૯૯માં એક સામૂહિક કરન્સીની પ્રોસેસ શરૂ થઈ અને એક જાન્યુઆરી ૨૦૦૨માં યુરોપમાંનાં અઠ્ઠ્યાવીસ દેશોમાંથી ઓગણીસ દેશોએ એકત્રિત થઈને યુરોઝોન દ્વારા એક કરન્સી અસ્તિત્વમાં લઈ આવ્યા, એ કરન્સી એટલે યુરો. જે સમયે યુરોનો જન્મ થયો ત્યારે એક યુરો એટલે સાધારણપણે પિસ્તાલીસ ભારતીય રૂપિયા હતા. આજના સમયે એક યુરો એટલે પંચ્યાશી રૂપિયા થયા છે. અમારા ટ્રાવેલ ઍન્ડ ટુરિઝમ ક્ષેત્રનો વિચાર કરીએ ત્યારે અમે પરદેશી નાગરિકને ભારત દેખાડવા માટે વધુમાં વધુ સંખ્યામાં પ્રવૃત્ત કરી શકીએ કારણ કે રૂપિયાના ઘસારાના લીધે એમની દૃષ્ટિએ ભારતમાં પર્યટન કરવાનું હવે ખૂબ જ સસ્તું છે.

આંતરરાષ્ટ્રીય રાજકારણ, અર્થકારણ, જાગતિક ઊથલપાથલ, ડોલર વધવો, બ્રિટીશ પાઉંડ ઓછો થવો, રૂપિયો ઘસાવો આ બાબત એટલે નિષ્ણાતોનો વિષય, એના પર હું ભાષ્ય કરી નથી શકતી, કારણ એ મારો વિષય નથી. અમારા પર્યટકોની પણ વાત કંઈ અલગ નથી. સહેલગાહના પૈસા અમેરિકન ડોલર, યુરો, ઑસ્ટ્રેલિયન ડૉલર એમ અલગ અલગ કેમ લો છો? એક જ વાત કે અમારી પાસેથી ભારતીય રૂપિયામાં પૈસા લો. અર્થાત સહેલગાહમાંથી અડધો ભાગ તે તે દેશમાંની અલગ અલગ બાબતો માટે એટલે કે હોટલ, ટ્રાન્સપોર્ટ, ટ્રેન, બોટ, ક્રુઝ, વિમાન માટે હોય છે અને એ એમના દેશની કરન્સીમાં ત્યાં આપવાના હોય છે તેથી આપણે એ એ દેશની કરન્સીમાં ભરવા પડે છે. પર્યટકો માગણી કરે અમારે તે પૂરી કરવાની એવું નક્કી કર્યું છે તેથી દર વરસે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં અમે આગલા વર્ષનું યુુરોપ અમેરિકાનું બુકિંગ સંપૂર્ણપણે ભારતીય રૂપિયામાં કરીશું અને ફોરેન એક્સેંજના ઉતારચઢાવની ચિંતા ન કરવા દેવાની સુવિધા પર્યટકો માટે કરીએ છીએ અને અનેક પર્યટક એ પ્રમાણે આયોજન કરે છે. અહીં અમે રિસ્ક લઈએ છીએ ફોરેન એક્સેંજના ઉતારચઢાવનું પણ પર્યટક નિશ્ર્ચિંત થાય છે. આ વરસે જ અમે વરસ પછી આ બાબત શરૂ કરી પરંતુ હવે રૂપિયાના ઘસારાના લીધે રિસ્ક ખૂબ જ વધી ગયું છે. જલદીથી આ બાબત પાછી લેવી પડશે અને પછી હંમેશની મુજબ ભારતીય રૂપિયા અને યુરોમાં પ્રવાસનો ખર્ચ આપવો પડશે. નાછૂટકે અમારે બક ટૂ પેવેલિયન જવું પડશે.

યુરો કે ડોલર નીચે ન આવ્યો તો બહારના દેશમાં કોફી ખરેખર મોંઘી પડવાની છે. કોફી ત્રણ-ચાર કે પાંચ યુરોમાં જ પડશે પરંતુ રૂપિયાનું મૂલ્ય ઘસાવાના લીધે પાંચ યુરો ગુણ્યા પંચોતેરના બદલે પાંચ યુરો ગુણ્યા પંચ્યાશી કરવા પડશે. એટલે ત્રણસો પંચોતેરના બદલે ચારસો પચ્ચીસ રૂપિયા. વિદેશમાં પર્યટન મોંઘું થશે તે આ રીતે. ગ્રુપ ટૂર્સમાં સર્વ સમાવિષ્ટ હોય છે અને એક વાર પૈસા ભર્યા પછી ફરીથી પાકિટ ખોલવું નથી

પડતું તેથી યુરોપ અમેરિકામાં વિશ્ર્વભરમાંથી ગ્રુપ ટૂર્સ દ્વારા આવનારા પર્યટકોની સંખ્યા વધુ હોય છે. અર્થાત અમે ક્યારેક પર્યટકના પોતાના જ ખિસ્સામાંના પૈસા ખર્ચ કરીને કોફી પીવાનો આગ્રહ કરીશું. ખાસ કરીને યુરોપના ભલે ને તે ઈસ્ટર્ન યુરોપ હોય કે વેસ્ટર્ન યુરોપ સ્પેન હોય કે સ્કેન્ડિનેવિયા, ત્યાંના સ્ક્વેર કે પિયાત્ઝા કે રોડસાઈડ કોફીઝમાં બેસીને કોફી લેવાનું કહીશું. ત્યાંનું બિલ પછી પાંચશો આવે કે હજાર, એ કોફીના પૈસા નથી તો એક અનુભવ છે અને એ જ્યાં શક્ય હોય ત્યાં લેવી. ત્યાં રૂપિયાની અને યુરોની તુલના કરવી નહીં.

પર્યટનની બાબતમાં કહીએ તો એક દેશની બીજા દેશથી, એક શહેરની બીજા શહેરથી, એકાદ સ્થળની અન્ય સ્થળથી તુલના કરવામાં આવે ત્યારે, પર્યટક સહેલગાહનો આનંદ ગુમાવે છે. પેરિસના કેબ્રે શો જોતાં સમયે કોઈ કહે, મને છેને આના કરતાં પટ્ટાયાનો અલ્કાઝાર શો ગમ્યો.’ યુરોપ ફરીને અમેરિકા ગયેલો પર્યટક કહે છે, ‘અમેરિકા સારું જ છે પણ યુરોપ વધારે ગમ્યું.’ અમેરિકા ફરીને યુરોપ ગયેલો પર્યટક કહે છે, મને અમેરિકા વધુ ગમ્યું.’ ‘તમને ન્યૂઝિલેન્ડ ગમ્યું કે સ્વિટ્ઝર્લેન્ડ?’ આ કે આવા પ્રકારના પ્રશ્ર્નો મને ખાસ પૂછવામાં આવે છે. સર્વસાધારણપણે આપણે પર્યટન કરીએ છીએ તે એવા દેશમાં જ્યાં પર્યટનસદૃશ આકર્ષણ અને સુવિધા છે. પછી એ દેશને કે શહેરને કે પછી સ્થળને જેમ છે એમ સ્વીકારીએ, ત્યાંની યુનિકનેસનો આનંદ લઈએ. એમાં જ સર્વ પ્રકારે ફાયદો છે.

આપણે જે સમયે બહારના દેશમાં જઈએ ત્યારે ત્યાંની ચમકદમક જોઈને વિસ્મય પામીએ છીએ અને અજાણતા પરંતુ સહજતાથી એ દેશની તુલના આપણા દેશથી કરવા લાગીએ છીએ, દોષ કાઢીએ છીએ; અને એથી વધીને ગુસ્સો પણ કરીએ છીએ. અહીં માત્ર પોતાના પર કન્ટ્રોલ કરવો. તમારો દેશ તમારી પાસે અને અમારો દેશ અમારી પાસે. અમારામાં કંઈક ખામી હશે પરંતુ પ્લસપોઇન્ટ્સ વધારે છે જેનો મને ગર્વ છે. રૂપિયાનું અવમૂલ્યન ચાલશે પરંતુ દેશનું અવમૂલ્યન આપણા દ્વારા ન થાય એનું જાણપણું આપણે દરેકે રાખવું.

Gujarati, Language

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.

*