Published in the Sunday Mumbai Samachar on 06 July 2025
ખરેખર, ઝિંદગી ના મિલેગી દોબારા!
તાજેતરમાં મને મારી પત્ની હેતા અને અમારી પુત્રી રાયા સાથે સ્પેનનો પ્રવાસ કરવાનો યોગ મળ્યો. આ ટ્રિપ વધુ વિશેષ બનવાનું કારણ આપણા જીવનના અલગ અલગ ખૂણાને તે સુંદર રીતે એકત્ર લાવે છે. મેડ્રિડમાં અમે યુકેના વહાલા ફ્રેન્ડ્સને મળ્યા. બાર્સેલોનામાં અમારી સાથે ક્વિક ગેટઅવે માટે આવેલા યુએસના ફ્રેન્ડ્સ જોડાયા. અને ઈબિઝામાં સાહસ, ખાણીપીણી અને મોજમસ્તીભરી રિટ્રીટ માટેઅદભુત વાયપીઓ સમુદાય અમારી સાથે જોડાયો.
ત્રણ શહેર. ત્રણ અનુભવ. અને છતાં એક દેશ, જે તેની ઉષ્મા, ઈતિહાસ, ઊર્જા અને જોશ સાથે મને સતત આશ્ચર્યમાં ગરકાવ કરે છે. દરેક સ્થળે અમને સ્પેનની સંપૂર્ણ અલગ બાજુ આપી. તો, આજના લેખમાં હું તે પ્રવાસે તમને સ્પેનના હાર્દ થકી લઈ જવા માગું છું. તો ચાલો, મેડ્રિડથી શરૂઆત કરીએ.
મેડ્રિડ ઃ ભારતમાં આપણે મોટા ભાગના લોકો મેડ્રિડ સાથે પોતાને અસલી મેડ્રિડ, એટલે કે ફૂટબોલ ક્લબ ઓફ લીજેન્ડ્સ સાથે સાંકળતા હોઈએ છીએ. અને પ્રતીકાત્મક સાન્તિયાગો બર્નેબુ સ્ટેડિયમની મુલાકાત તો ઘણા બધા લોકોની પ્રવાસ યાદીમાં ટોચે હોય છે.મેં આ વખતે સ્ટેડિયમ જતું કરવાનું નક્કી કર્યું. તેને બદલે હું સ્થાનિકની જેમ મેડ્રિડ જોવા માગતો હતો. અને તે પસંદગીએ મનેઆ સ્પેનિશની રાજધાનીનો સંપૂર્ણ નવો અનુભવ કરાવ્યો.
મેડ્રિડ દેખીતી રીતે જ સમકાલીન મનોહરતા ધરાવે છે. આ મનોહરતા બહુ સહજ રીતે માણી શકાય છે. અમારો સૌપ્રથમ સ્ટોપ રેટિરો પાર્ક,પાર્ક ડેલ બ્યુએનરેટિરો હતો, જે વિશાળ હરિયાળી જગ્યા એક સમયે સ્પેનિશ રાજઘરાણાની માલિકીની હતી. અમે ત્યાં લગભગ આખો દિવસ વિતાવ્યો. મને સૌથી સારી બાબતએ લાગી કે આ શહેર દરેક ખૂણે બાળકોનું સ્વાગત કરે છે. પ્લાઝામાં બનાવવામાં આવેલાં સુંદર પ્લેગ્રાઉન્ડ્સથી લઈને ખુલ્લી હરિયાળી જગ્યાઓ સુધી, રાયાએ મન મૂકીને આ સ્થળને માણ્યું, આસપાસ દોડાદોડ કરી, ક્લાઈમ્બિંગ કર્યું અને એક્સપ્લોર કર્યું. મોટાં શહેરોએ અદભુત હોવું જોઈએ એવું જરૂરી નથી, પરંતુ તે રમતિયાળ પણ હોવું જોઈએ તેની આ યાદગીરી હતી.
અમે સ્થાનિકોને જે ગમે તે જ કર્યુંઃ એક તપસથી અન્ય બારમાં ગયા. મેડ્રિડમાં તપસ એ બોલ્ડ ફ્લેવર્સ સાથે નાની પ્લેટ્સમાં ક્યુલિનરી ખજાનો છે. અમારી સાંજ મોટે ભાગે ધીમે ધીમે ભટકવામાં વીતી, જેમાં સ્વર્ણિમ વાતાવરણ ધરાવતું અને આર્ચીસ હેઠળ વાદ્યો વગાડતા સંગીતકારો સાથેના પ્લાઝા મેયર, જ્યાં ઈતિહાસના પુસ્તકના પાનામાંથી બહાર આવ્યું હોય તેવું આ સ્થળ મન મૂકીને માણ્યું.
મેં જે શોધ્યું તે કાંઈક આ મુજબ છેઃ મેડ્રિડ સમુદ્રની સપાટીની ઉપર 667 મીટર પર વસેલું યુરોપનું સર્વોચ્ચ રાજધાની શહેર તરીકે બિરૂદ ધરાવે છે. અહીંની હવા અણધારી રીતે ક્રિસ્પ અને તાજગીસભર છે તેમાં કોઈ નવાઈ નહીં. વધુ આકર્ષક શું છે જાણો છો? આ શહેરમાં 2.50 લાખથી વધુ ઝાડ છે,જે તેના લોકો કરતાં પણ વધુ છે! આ પ્રકારના હરિયાળા કવચ સાથે મેડ્રિડ ખંડમાં સૌથી હરિત રાજધાનીમાં સ્થાન નહીં પામે તો જ નવાઈ.
અને આખરે મેડ્રિડની ગલીઓના ઊંડા ભીતરમાં પ્રાચીન ઈજિપ્શિયન મંદિર ટેમ્પલ ઓફ ડેબોડ વસેલું છે. 1968માં ઈજિપ્ત તરફથી ભેટમાં મળેલુંઆ મંદિર 2,200 વર્ષ પ્રાચીન છે અને તેના પથ્થર દર પથ્થર પ્લાઝા દ એસ્પાના નજીક તેના વર્તમાન ઘરમાં સ્થળાંતર કરાયા હતા.
અંતે મેડ્રિડ વિશે મને સૌથી વધુ યાદ રહી જાય તેવું કોઈ સીમાચિહન હોય તો તે હેતા અને રાયા સાથે નિયોજન વિના મન મૂકીને ભટક્યાં તે લાગણી હતી. મેડ્રિડની આ ખૂબી છે. ભવ્ય છતાં જમીન પર. ઐતિહાસિક છતાં જીવનથી સમૃદ્ધ.
બાર્સેલોનાઃ મેડ્રિડની મનોહર ખૂબીઓ પછી બાર્સેલોના શક્ય શ્રેષ્ઠ રીતે તેમાં વધુ સુખદ અહેસાસના ઉમેરા જેવું લાગ્યું. આ શહેર બેસી રહેતું નથી,તે સતત ધમધમે છે, નૃત્ય કરે છે, નિર્માણ કરે છે અને તેના લયનો હિસ્સો બનવા તમને સતત આમંત્રિત કરે છે.
અમે શહેરના હાર્દ એવા આયશેમ્પલના સ્વર્ણિમ પાડોશમાં મુકામ કર્યો હતો, જે તેના વિશાળ કુંજમાર્ગો, ગ્રિડ જેવી ગલીઓ અને નિર્માણ નહીં પણ કોતરકામ કરાઈ હોય તેવી જ દેખાતી ઈમારતો અને બાલ્કનીઓ માટે પ્રસિદ્ધ છે. આ લેઆઉટ સુંદર તો છે જ, પરંતુ તે દીર્ઘદ્રષ્ટા શહેરી નિયોજનના ભાગરૂપે 19મી સદીમાં ડિઝાઈન કરાયું હતું, જેનો હેતુ વૃદ્ધિ પામતા શહેરમાં પ્રકાશ, હવા અને હરિયાળી લાવવાનો હતો. આજે પણ તે બાર્સેલોનાને સર્વ કળાત્મક કોલાહલ વચ્ચે સુંદર વ્યવસ્થાની ભાવના આપે છે.
હવે કળાકારીગરીની વાત કરીએ તો સ્પેનિશ આર્કેિટેક્ટ, દીર્ઘદ્રષ્ટા અને આધુનિક આર્કિટેક્ચરમાં સૌથી મહત્ત્વપૂર્ણ હસ્તીમાંથી એક એન્ટોનીગાઉડીના જાદુને વશ થયા વિના બાર્સેલોનાની કોઈ પણ ટ્રિપ અધૂરી રહી જાય છે. તેમની કૃતિઓ ફક્ત ઈમારતો નથી, તે નિસર્ગ,શ્રદ્ધા અને કલ્પનાની કાવ્યાત્મક અભિવ્યક્તિ છે. અમે સાગ્રાડાફેમિલાયામાં સંધ્યા વિતાવી, જે પ્રતીકાત્મક નમૂનો 1882થી નિર્માણ હેઠળ હતોઅને હજુ પણ પૂર્ણ થયો નથી. જોકે અજાયબીની વાત એ જ છે. તમે તે ગગનચુંબી શિખરો અને રંગબેરંગી કાચની બારીઓની નીચે ઊભા રહોઅને તમને ભાન થશે કે તમે ચર્ચને જોઈ રહ્યા નથી, પરંતુ તમે એવું સપનું જોઈ રહ્યા છો જે હજુ ઉજાગર થઈ રહ્યું છે.
અહીં વિચિત્ર ટેકરીવાળો પાર્ક ગેલ પણ છે, જ્યાં જિંજરબે્રડ ઘરો, સર્પાકાર બેન્ચ અને શહેરનો મનોરમ્ય નજારો અવાસ્તવ સંવાદિતામાંએકત્ર આવે છે. અમે યુએસથી આવેલા ફ્રેન્ડ્સ સાથે સુવર્ણ બપોર વિતાવી.
દેખીતી રીતે જ બીચ પર ગયા વિના બાર્સેલોનાની કોઈ વાર્તા પૂરી થતી નથી. બાર્સેલોનામાં અમને સમુદ્રના ખુલ્લા નજારા સાથેની ઉત્તમ સીફૂડ રેસ્ટોરાં મળી આવી. અહીંનું ખાદ્ય અવિસ્મરણીય તો હતું જ, પરંતુ તે એક અવસર હતો. રાયાએ પહેલી જ વાર બીચની મુલાકાત લીધી હતી અને તેના નાના પગ મેડિટરેનિયનમાં ડુબાડ્યા તે માઈલસ્ટોન જેવો અહેસાસ હતો. અમારા બધાના ચહેરા પર સ્મિત હતું અને અમે મન ભરીને આ સ્થળને માણ્યું.
અને અહીં જૂજ લોકો અજાણ બાબતો જાણે છે, જે બાર્સોલોનાને વધુ અદભુત બનાવે છે. બાર્સેલોના 9 યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ્સનું ઘર છે, જેમાંથી સાત ખુદ ગાઉડીએ ડિઝાઈન કરી હતી. લીજેન્ડ એવું પણ કહે છે કે આ શહેરે આઈફેલ ટાવર નકારી કાઢ્યો હતો. ગુસ્તાવ આઈફેલે તેના ટાવરની ડિઝાઈન પ્રસ્તાવિત કરી ત્યારે બાર્સેલોનાએ તે નકારી કાઢી. તે પછી પેરિસે સ્વીકારી અને બાકી ઈતિહાસ છે. અને આખરે બાર્સેલોનાની પોતાની ભાષા પણ છે. સ્પેનિશ વ્યાપક રીતે બોલાય છે ત્યારે કેટલેન અહીંની સ્થાનિક ભાષા છે અને તે સ્ટ્રીટ સાઈન્સથી મેનુથી રોજબરોજના વાર્તાલાપ સુધી દરેકમાં અજોડ રુચિનો ઉમેરો કરે છે.
ઈબિઝાઃ ઈબિઝા શબ્દ સાંભળતાં જ મોટા ભાગના લોકોના મનમાં તુરંત એક વાત આવે છેઃ પાર્ટીઓ. દુનિયાના ઉત્તમ ડીજે, સનસેટ બીચ ક્લબ,સવારમાં ફેરવાતી રાત્રિઓ અને હા, ઈબિઝાની તે બાજુ અસ્તિત્વમાં છે.
અમને નાઈટ આઉટ સાથે ફર્સ્ટહેન્ડ તેનો અનુભવ કરવાનો મોકો મળ્યો, જ્યાં લીજેન્ડરી ડીજે ડેવિડ ગુએટા આઈલેન્ડનાપ્રતીકાત્મક ક્લબમાંથી એકમાં પરફોર્મ કરતો હતો. જોકે આ ટ્રિપ પર મેં સંપૂર્ણ અલગ લય શોધી કાઢ્યો. તે મેં કલ્પના કરી નહોતી તેટલું ધીમું,ઊંડું અને અત્યંત પરિપૂર્ણ હતું.
અમે વાયપીઓ રિટ્રીટ માટે ઈબિઝામાં હતા અને આ ટાપુએ અનુભવો સાથે અમને આવકાર્યા, જે ખુદ નિસર્ગ દ્વારા ઘડવામાં આવ્યું હોય તેવું મહેસૂસ થતું હતું. એક સવારે અમે ટાપુ પર ટ્રેઝર હંટ માટે નીકળ્યા, જે તમારી લાક્ષણિક સ્કેવેન્જર ગેમ નથી, પરંતુ મજબૂત લેન્ડ રોવર ડિફેન્ડર્સમાં સુંદર, હેતુપ્રેરિત સાહસ છે. અમે દરિયાકાંઠાના રસ્તેથી, સુસ્ત વ્હાઈટવોશ્ડ ગામડાંઓ અને પાઈનની સુગંધ સાથેની ટેકરીઓ થકી પસાર થયાં,સિક્રેટ કોવ્ઝ, પ્રાચીન સોલ્ટ ફ્લેટ્સ અને સમુદ્રનો નજારો આપતા એકમાત્ર લાઈટહાઉસમાં પણ રોકાયાં હતાં.
યાદીમાં એક સૌથી રોમાંચક બાબત જાણો છો? ક્લિફ જમ્પિંગ. મેં પોતે નહીં કર્યું. જોકે આ વાતાવરણનો હિસ્સો બનવું તે પણ વિશેષ હતું.
મને ગ્રુપમાં યોટમાં ફરવાનું પણ બહુ ગમ્યું. અમે શાંત સમુદ્ર પરથી સેર કરી, જ્યાં અમે સ્નોર્કેલિંગ કર્યું, સમુદ્રમાં છલાંગો લગાવી,જેટ સ્કીઝ પર સવારી કરી અને સર્વ પ્રકારનાં વોટર ટોયઝ સાથે રમ્યાં પણ. તે સૌથી ઉત્તમ ઈબિઝાની બપોર હતી, સૂર્ય, સમુદ્ર અને ક્રુ સાથે જીવનની ઉજવણી.
ઈબિઝાએ ક્યુલિનરી ઊંડાણથી પણ અમને ચકિત કર્યા. એક રાત્રે અમે કાંકરીઓવાળી ગલીમાં છુપાયેલા જૂના શહેરમાં મિશેલિન-સ્ટારવાળી રેસ્ટોરાંમાં ભોજન કર્યું. અહીંનું વાતાવરણ આહલાદક હતું, ખાવાનું સ્થાનિક, શોધાત્મક અને અત્યંત સ્વાદિષ્ટ હતું. ઘોંઘાટિયા પાર્ટીઓથી દૂરઆ ઈબિઝાની સૌથી શાંત બાજુ છે.
અને મોટા ભાગના લોકોને ભાન પણ નહીં થાય તે રીતે ઈબિઝાને વધુ અનોખું બનાવતું હોય તો તે છે આ ટાપુ પરના 50થી વધુ સુંદર બીચ,જે દરેક છૂપા ખડકોથી લાંબા રેતીદાર પટ્ટાઓ સુધી પોતાનું અજોડ વ્યક્તિત્વ ધરાવે છે. ઈબિઝાનું જૂનું શહેર ડેલ્ટ વિલા યુનેસ્કો વર્લ્ડ હેરિટેજસાઈટ છે, જેનું કિલ્લાકરણ 16મી સદીથી અગાઉનું છે. તમે સૂર્યાસ્ત સમયે તેની દીવાલો પાસેથી ચાલો ત્યારે તમને સદીઓ તમારી આસપાસ ગુસપુસ કરી રહી હોય તેવું મહેસૂસ થશે.
ત્રણ શહેર, એક દેશ, અગણિત યાદોમેડ્રિડ, બાર્સેલોના અને ઈબિઝાનો પ્રવાસ ફક્ત હોલીડે નહોતી, પરંતુ તેણે સમાન આત્મા સાથેની ત્રણ સંપૂર્ણ અલગ અલગ હસ્તીઓનોઅનુભવ જેવું મહેસૂસ કરાવ્યું. સ્પેન એક સ્થળ નથી, પરંતુ તે ઘણું બધું, જે ખુશી, લગની અને જીવન માટે જોશને એકતાંતણે બાંધે છે.જો તમે ત્યાં જઈ આવ્યા હોય તો ફરી જાઓ. તમને કશુંક નવું મળી રહેશે. જો તમે નહીં ગયા હોય તો ગમે ત્યાંથી શરૂઆત કરો,પરંતુ તમે તુરંત તેના પ્રેમમાં પડીને રહેશો.
અને કદાચ અમારી જેમ, તમે વાર્તાઓથી ભરચક સૂટકેસ અને કૃતજ્ઞતાથી ભરચક મન સાથે પાછા આવશો.
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.