પાસવર્ડ

0 comments
Reading Time: 7 minutes

બ્લડપ્રેશર, શુગર પ્રમાણે આપણું મન પણ માપવાની આદત કેળવીએ. આપણા મનમાં ડર, રુઢિ, ગેરસમજૂતીની બેગો પાસવર્ડ નાખીને બંધ કરી છે તે ખોલીને મન મોકળું કરીએ.

થોડા સમય પૂર્વે યુરોપના પ્રવાસે હતી. ઝુરિકના એરપોર્ટ પર આગમન થતાં બહાર કાર તૈયાર હતી. કારમાં બેઠી ત્યાં જ ડ્રાઈવરે પૂછ્યું, ‘વાય ફાય જોઈએ?’ ખરેખર તો મને તે જોઈતું નહોતું, પરંતુ મુંબઈમાં ઓફિસ શરૂ થઈ હોય તો વ્હાય નોટ? આમ પણ હોટેલમાં પહોંચવા માટે અડધો કલાક લાગવાનો જ હતો. નેટવર્ક સિલેક્ટ કરીને તેને પાસવર્ડ પૂછ્યો. તે એટલો કોમ્પ્લીકેટેડ પાસવર્ડ હતો કે બે વાર પૂછવો પડ્યો. સ્વિટ્ઝર્લેન્ડમાં બે હોટેલ્સની મહેમાનગતી માણી. એક હોટેલના રૂમમાં આવ્યા પછી દરેક વખતે નવેસરથી પાસવર્ડ નાખવો પડતો અને બહુ કંટાળો આવતો. બીજા સ્થળે જોકે તે ઓટો કનેક્ટ થઈ જતો હતો અને નિશ્ર્ચિંત થઈ જતી. પાસવર્ડ બાબતે મને ડર લાગે છે કે કેમ કોણ જાણે પણ મને ગમતું નથી એ સાચું છે. આ પછી બે દિવસે હું હેલસિંકીમાં પહોંચી. હોટેલની ચાવી લીધા પછી રિસેપ્શનિસ્ટને પૂછ્યું, ‘વાય ફાય પાસવર્ડ શું છે?’ તેણે કહ્યું, ‘ધેર ઈઝ નો પાસવર્ડ, જસ્ટ લોગ ઈન.’ વાહ! મને રાહતની લાગણી થઈ. ‘ધેર ઈઝ નો પાસવર્ડ હિયર’ આ શબ્દો જ મને બહુ ગમ્યા. સ્વિટ્ઝર્લેન્ડના લોકો, સ્વિટ્ઝર્લેન્ડની ગવર્નમેન્ટ, સ્વિટ્ઝર્લેન્ડની બેન્કો આ બધું જ હાઈ સિક્યુરિટી ઝોન જેવું લાગે છે. આથી ત્યાં દરેક બાબતમાં પાસવર્ડ છે. અહીં હેલસિંકી એટલે કે ફિનલેન્ડ ખુલ્લા મનનો દેશ હોય તેવું લાગ્યું. અહીં એરપોર્ટ લાઉન્જમાં પાસવર્ડ પૂછ્યો તો જવાબ મળ્યો, ‘નો પાસવર્ડ, જસ્ટ લોગ ઈન. પાસવર્ડ અને નો પાસવર્ડ, સ્વિટ્ઝર્લેન્ડ અને ફિનલેન્ડ આ બે દેશોના વ્યક્તિત્વમાં નહીં પણ દેશોના વ્યક્તિત્વમાં આ ફરક નથી?

હેલસિંકીની રેડિસન હોટેલમાં આવ્યા પછીના પાસવર્ડ સાગા બાદ મને યાદ આવ્યું શનિશિંગણાપુર, ત્યાં ઘરના દરવાજા વિશે જાણો છો. ત્યાં દરવાજા નથી અથવા દરવાજા હોય તો તેને તાળું નથી. ખરેખર આ ગામના લોકો સાહસિક જ કહી શકાય. હા, અન્યો પર અને દુનિયા પર વિશ્ર્વાસ કરવા હિંમત જોઈએ અને તે આપણી પાસે હોતી નથી. તેથી જ આપણી દુનિયાને આપણે આ તાળાં-ચાવીથી અને પાસવર્ડથી બંધિયાર બનાવી દીધી છે. બે વર્ષ પૂર્વે અલગ અલગ હોટેલ્સની મુલાકાત લેવા માટે દાર્જીલિંગમાં ગઈ હતી. ત્યાં પહોંચતાં જ ત્યાંનો સુપ્રસિદ્ધ સનરાઈઝ જોઈએ કહીને સવારે વહેલાં ઊઠ્યાં, તૈયારી કરી અને નીકળી પડ્યાં. નીકળતાં નીકળતાં મેં સુધીરને કહ્યું, ‘અરે, બેગ લોક કરી છે ને?’ તેણે કહ્યું, ‘વીણા, તારા જીવને શાંત રાખીને જીવન જીવવાની આદત કેળવ, એક બેગનું શું લઈને બેઠી છે, જો કશું ગયું તો શું જવાનું છે-?’ મેં કહ્યું, ‘તારું તો કહેવું પડે સુધીર મહારાજ, તમારી ભાવના સમજી ગઈ.’ સવારે સવારે ઉપદેશનો ડોઝ મળ્યો હતો. આમ પણ પ્રવાસમાં વેલ્યુએબલ્સ લઈ જવાનાં નહીં એવી શીખ મળી હોવાથી એક્ચ્યુઅલી બેગમાં કશું હોતું નથી પણ બેગ લોક કરવાના સંસ્કાર જ એટલા જબરદસ્ત છે અથવા કોઈના પર વિશ્ર્વાસ ન મૂકવાની અથવા તે ન હોવાની આપણી મનોવૃત્તિ જ એટલી બળવત્તર બની ગઈ છે કે તાળું અને પાસવર્ડની જરૂર આ રીતે સતત જણાય છે. યુએસએમાં જતી વખતે તો આપણને બેગ લોક કરવાની પરમિશન જ નથી અથવા લોક કરવી જ હોય તો ‘ટીસીએ’ લોકવાળી બેગ જ લેવી પડે છે. ટૂંકમાં સિક્યુરિટી બેગ ખોલી શકાવી જોઈએ અને જો તમે તાળું લગાવ્યું જ હોય તો તે મોટે ભાગે તોડેલા સ્વરૂપમાં જ તમને પાછું મળે છે. સો બેગ લોક કરવાની જ નહીં એવી જબરદસ્તી હોવાથી આપણે બેગ લોક કરી જ નહીં શકીએ. જોકે ત્યાં પહોંચીને બેગ હાથમાં મળે ત્યાં સુધી મનમાં કેટલી ધકધક ચાલતી રહે છે. આ ધકધકમાંથી બહાર આવવું જોઈએ. તે આપણા મન પરનો પહેલો વિજય બની શકે છે. અર્થાત, તે માટે પૂર્વતૈયારી પણ બહુ કરવી પડે છે. સૌપ્રથમ તો અમે અમારા પર્યટકોને કાયમ કહેતાં રહીએ છીએ કે બેગમાં કોઈ પણ મૂલ્યવાન વસ્તુ મૂકશો નહીં. હવે પ્રવાસમાં આપણી પાસે મૂલ્યવાન વસ્તુઓમાં પૈસા-દાગીના (શરીર પર હોય તેટલા જ)-મોબાઈલ-કેમેરા (હોય તો)-પાસપોર્ટ (વિદેશ પ્રવાસમાં) હોય છે. આ વસ્તુઓ તો કાયમ શરીર પર રખાતી શોલ્ડરબેગ અથવા પર્સમાં જ હોવી જોઈએ. આ વસ્તુઓ ક્યારેય બેગમાં રાખવી નહીં અથવા તેવી ભૂલ કરવી નહીં. બેગમાં રાખેલી આ વસ્તુઓ ગુમ થાય તો જવાબદારી એરલાઈન્સ કે હોટેલવાળા કે બસવાળા પણ લેતા નથી. આવી ચોરીની બાબતમાં પોલીસમાં એફઆઈઆર કરવાથી પણ ફાયદો થતો નથી. આને કારણે હોટેલના રૂમમાં બેગ લોક ન કરતાં મૂકી જઈ શકીએ એટલી જ વસ્તુઓ, એટલે કે, કપડાં-ટોઈલેટરીઝ તેમાં રાખવાં જોઈએ.

પ્રવાસમાં જોઈએ તેટલું જ જોડે લઈ જઈએ તેવું જ જીવન આપણા જીવનમાં કે ઘરમાં જીવવાનું ફાવે તો કેટલું સારું થાય? જોઈએ તેટલી જ વસ્તુ, જોઈએ તેટલા જ પૈસા, જોઈએ તેટલા જ દરદાગીના, ગણી શકાય અને ધ્યાનમાં રહે તેટલાં જ આભૂષણ, નવું કશું લીધું તો જૂનું વહેંચી નાખવાનું- જરૂર હોય તેને તે આપી દેવાનું. કોઈ પણ સંગ્રહ નહીં કરવો. સંભાળવું પડશે-જાનથી પણ વધુ જતન કરવું પડશે (માણસો નહીં) આવી વસ્તુઓ જેટલી ઓછી હોય તેટલું સારું. વસ્તુઓ ઘરમાં હોય તે આપણી નજર સામે રહેશે. તે જેની તેની જગ્યાએ રહેશે. તે યાદ નહીં કરવું પડે, શોધવું નહીં પડે. તો પછી આપણા ઘરમાં તાળું અને લોકર્સની, તેના નંબર્સની, પાસવર્ડની જરૂર પડશે નહીં. ઘર આ રીતે લોકર્સ સિક્યુરિટી કોડ્સ, પાસવર્ડ મુક્ત થાય તો મન પરનો બોજ ઓછો થાય છે અને મન પણ ફ્રી થશે અને તે ફ્રી મનમાં સારા વિચારોનો વરસાદ થશે. જે ઘરમાં કબાટને તાળું નથી અને મોબાઈલને પાસવર્ડ નથી તે ઘર સશક્ત છે એવું મને લાગે છે. અમારા ઘરમાં કોઈના પણ મોબાઈલમાં પાસવર્ડ નથી. જો હોય તો પણ તે સૌને ખબર હોય છે. કોઈ પણ કોઈનો પણ મોબાઈલ લઈને ગમે તે કરી શકે છે. અર્થાત, આજ સુધી જીવનમાં ક્યારેય કોઈનો મોબાઈલ ચેક કરીએ એવું ક્યારેય કોઈને થયું નથી. અને ક્યારેય કોઈએ કોઈનો પણ મોબાઈલ ભૂલમાં પણ ક્યારેય ચેક કર્યો નથી. એકમેકથી આપણે વાતો છુપાવવા લાગીએ એટલે સમજવાનું કે હવે આપણે એક ઘરમાં રહેવાને લાયક નથી. ઘર બનવા માટે એકમેક પર વિશ્ર્વાસ મહત્ત્વનો હોય છે. તેમાં સિક્યુરિટી કોડ્સ અને પાસવર્ડને સ્થાન નથી. પાસવર્ડ અને કોડ્સ સાથે ઘરગથ્થુ યુદ્ધ શરૂ થાય છે. શબ્દોના વાગ્બાણ, આરોપ-પ્રત્યારોપ…

સો, બ્લડપ્રેશર માપીએ, શુગર માપીએ તેમ આપણું મન પણ માપવાની આદત કેળવો. બ્લડપ્રેશર શુગર… વધે તે ચાલતું નથી તે જ રીતે મન પર વધેલો દબાણનો બોજ આપણને ચાલશે નહીં. શુગર બ્લડપ્રેશર પર બહારથી દવા મળે છે. આપણા મનના ડોક્ટર આપણે જ છીએ. આથી ક્યોર આપણને જ કરવાના છે. આપણા મનનો ડર, સમાજ, પ્રતિષ્ઠા, રુઢી, ગેરસમજૂતી… આવી અનેગ બેગ આપણે ખીચોખીચ ભરીને રાખી છે અને પાસવર્ડ નાખીને તે બંધ કરી રાખી છે. તે ખોલી નાખીએ. પાસવર્ડ ફગાવી દઈએ. ફ્રી થઈએ, મન મોકળું કરીને તેમાં ખુશી ભરીએ-સુવિચાર-સશક્તપણું-હકારાત્મકતા અને બહારથી બહાર લોક કરી નાખીએ. નોટ સો ગુડ આદતોને. મિત્રોને, વિચારોને, શબ્દો… લેટ્સ એન્જોય અ ફ્રી સન્ડે!

Gujarati, Language

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.

*